ટોક્યોઃ તમે અત્યાર સુધી જેટલા પણ શહેરો કે ગામડાં જોયા હશે, ત્યાં માણસોનો વસવાટ હશે. પરંતુ આજે અહીં તમને જે ગામની વાત કરી રહ્યા છીએ ત્યાં માણસો કરતાં પણ પૂતળાં વધારે છે. આ પૂતળાંને સ્થાનિક ભાષામાં બિઝુકા કહેવામાં આવે છે. જાપાનનાં શિકોડો ટાપુ પર સ્થિત નગોરો ગામને દુનિયામાં ‘પૂતળાંઓનાં ગામ’ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે આ ગામમાં પ્રવેશ કરો તો તમને એવું જ લાગશે કે તમે કોઇ બીજી જ દુનિયામાં આવી ગયા છો. અહીંની ગલીઓમાં, ઘરોમાં અને ખેતરોમાં તમને બિઝૂકાનો નજારો જોવા મળશે. ઘણી વખત પ્રવાસીઓ પણ રાત્રે તેમને જોઈને ડરી જાય છે.
આ ગામનું નામ નગોરો છે, પરંતુ બિઝુકાના કારણે તેને સ્કેરક્રો વિલેજ એટલે કે ચાડિયાનું ગામ પણ કહેવામાં આવે છે. એક સમયે અહીં ઘણાં લોકો રહેતા હતા, પરંતુ લોકો કામની શોધમાં બહાર જવા લાગ્યા અને ધીમે ધીમે મોટા ભાગનું ગામ ખાલી થઈ ગયું. ગામમાં રહી ગયેલા મોટી ઉંમરના કે અશક્ત લોકોને ખાલીપો સતાવવા લાગ્યો. આ લોકોએ એક સમયે ગામમાં જ રહેતા, પરંતુ રોજગારી કે અન્ય કોઇ કારણસર ગામ છોડી ગયેલા પોતાના સ્વજનોનો ખાલીપો પૂરવા પૂતળાં બનાવવાનું શરૂ કર્યું. આજે ગામમાં ઠેર ઠેર પૂતળાં ગોઠવાયેલા જોવા મળે છે એટલું જ નહીં, પ્રવાસીઓ પણ આ ગામને જોવા આવે છે. નગોરો ગામ નાનું છે, પરંતુ ઓછામાં ઓછા 300 પૂતળાં છે. દુકાનો, બસ સ્ટોપ અને જાહેર સ્થળોએ પણ તમને પૂતળાં જોવા મળશે.