ટોક્યોઃ જાપાનનાં રાજકુમારી માકો ટૂંક સમયમાં લગ્ન કરશે. નવાઈની વાત તો એ છે કે માકો લગ્ન પછી સામાન્ય નાગરિક બની જશે અને તેમનો રાજપરિવાર સાથેના સંબંધોનો પણ અંત આવશે. તેમને લગ્ન બાદ કોઈ વિશેષ સુવિધાઓ નહીં મળે. એનું કારણ એ છે કે જે યુવક સાથે તેઓ લગ્ન કરી રહ્યાં છે તે રાજઘરાનામાંથી નથી. તેમનું નામ કેઈ કોમુરો છે. તે સામાન્ય પરિવારનો યુવક છે. તે સી ટુરિઝમને પ્રમોટ કરે છે. તેમને પ્રિન્સ ઓફ સી કહેવાય છે. પાંચ વર્ષ અગાઉ મોકોની મુલાકાત એક રેસ્ટોરન્ટમાં યુવક સાથે થઈ હતી. બંને ઈન્ટરનેશનલ ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં સાથે ભણી ચૂક્યાં છે. માકો અને કોમુરોએ અહીંથી સ્નાતકની ડિગ્રી લીધી છે.
૨૫ વર્ષીય માકો રાજા અકિહિતોની સૌથી મોટી પૌત્રી છે. શાહી પરંપરા મુજબ રાજકુમાર કે રાજકુમારીને કોઈ રાજપરિવારના સભ્ય સાથે લગ્ન કરવાના હોય છે. જો તે આવું નહીં કરે તો તેમને શાહી ઠાઠનો ત્યાગ કરવો પડે છે. માકોએ તેમ છતાં લગ્ન માટે રાજપરિવારથી મંજૂરી માગી છે. તેમનાં માતા કિકો અને પિતા અકીશિન્હોએ મંજૂરી આપી દીધી છે, પરંતુ હજુ ઔપચારિક જાહેરાત બાકી છે. તાજેતરમાં માકો જાપાન ટેનિસ એસોસિએશનના માનદ અધ્યક્ષ સહિત અનેક મહત્ત્વના પદે બિરાજમાન છે. માકો રાજપરિવારના પ્રથમ સભ્ય છે જેમણે યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે. તેમણે ટોક્યોની ઈન્ટરનેશનલ યુનિવર્સિટી ઉપરાંત સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ ઈડનબર્ગમાંથી પણ શિક્ષણ મેળવ્યું છે. તાજેતરમાં તે યુનિવર્સિટી ઓફ ટોક્યોમાં વિજ્ઞાની તરીકે કાર્યરત છે. માકોએ ભલે સામાન્ય નાગરિકને પસંદ કર્યો હોય પરંતુ લગ્ન તો શાહી રીતે થશે. તેમાં દરેક પરંપરાઓનું પાલન કરાશે. પહેલાં લગ્નની ઔપચારિક જાહેરાત થશે પછી જૂનમાં સગાઈ થશે. તેના બાદ લગ્નની તારીખ નક્કી કરાશે જે આગામી વર્ષની હશે. તારીખ નક્કી થયા બાદ માકો અને કોમુરો રાજા અને રાણીને મળવા જશે. જાપાનમાં રાજા, બ્રિટન કે અન્ય યુરોપીય દેશોની જેમ જાહેર કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ નથી લેતા. જોકે તે વિદેશ યાત્રાએ જાય છે પરંતુ તેની વધારે ચર્ચા થતી નથી.
જાપાનમાં શાહી પરંપરા ઈંગ્લેન્ડ કે યુરોપના અન્ય દેશો જેવી છે. અહીં મહિલાઓ એટલે કે રાણીને સર્વોચ્ચ પદવી નથી મળતી. ફક્ત પુરુષોને અધિકાર પ્રાપ્ત છે. રાજા અકિહિતો બાદ પદવી માકોના પિતા, કાકા કે નાના ભાઈને મળશે.