ટોક્યોઃ જાપાનની કોબે સ્ટીલ દુનિયાની જાણીતી મેટલ કંપનીઓની યાદીમાં સામેલ હતી, પરંતુ અહીં પ્રોડક્ટની ગુણવત્તા અંગે ૧૯૭૦થી હેરાફેરી થઈ રહી હતી. ઘટના પ્રકાશમાં આવતા કંપનીના ચેરમેન અને સીઇઓ હિરોયા કાવાસાકીએ છટ્ઠી માર્ચે રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. કોબેએ દુનિયાભરની આશરે ૭૦૦ કપંનીઓને સ્ટીલ, એલ્યુમિનયમ અને કોપરનો પુરવઠો પૂરો પાડ્યો હતો. જેમાં બોઇંગ, એરબસ અને જનરલ મોટર્સ પણ સામેલ છે. તેણે કાર એન્જિન અને ટાયરમાં વપરાતા સ્ટીલ વાયર અને બુલેટ ટ્રેન બનાવવામાં વપરાતા એલ્યુમિનિયમની ગુણવત્તાને વધુ શ્રેષ્ઠ દર્શાવી હતી પરંતુ વાસ્તવમાં દર્શાવ્યા મુજબ હતી નહીં. ૨૦૧૩માં જોડાયેલા કાવાસાકીનું રાજીનામું ૧ એપ્રિલથી લાગુ થશે.
તેમણે જણાવ્યું કે, અનેક લોકો માટે સમસ્યા પેદા કરી છે. હવે, નવા હાથમાં કંપનીને સોંપવાનો સમય આવી ગયો છે. કંપનીએ આપેલા નિવેદન મુજબ અનેક સિનિયર એક્ઝિક્યુટિવને પણ હટાવવામાં આવી રહ્યા છે. કોબેએ નવા સીઈઓની હાલ જાહેરાત કરી નથી. કંપનીની તપાસમાં જાણવા મળ્યું કે, તેના કર્મચારીઓએ વિભિન્ન પ્રોડક્ટસની ગુણવત્તા સાથે જોડાયેલા ૧૬૩ મામલામાં આંકડાને વધારીને દર્શાવી હતી. આ કામમાં અનેક અધિકારીઓ સામેલ હતા.