નવી દિલ્હીઃ ભારતના બે દિવસના પ્રવાસે આવેલા જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાએ દેશમાં બુલેટ ટ્રેન સહિતના વિવિધ પ્રોજેક્ટમાં 42 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી છે. કિશિદાના બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન છ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થયા છે. ભારત-જાપાન વચ્ચે યોજાયેલા 14મા વાર્ષિક સંમેલનના ભાગરૂપે ભારત આવેલા કિશિદાએ વડા પ્રધાન સાથે બેઠક યોજી હતી.
કિશિદા વડા પ્રધાન બન્યા પછી તેમની આ પ્રથમ ભારતયાત્રા હતી. કિશિદા અને મોદી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ ક્ષેત્રના છ કરારો થયા હતા. એ કરારો પ્રમાણે જાપાન આગામી પાંચ વર્ષમાં બૂલેટ ટ્રેન સહિતના ભારતના જુદા-જુદા ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 42 બિલિયન ડોલર એટલે કે અંદાજે 3.20 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
દ્વિપક્ષી સહયોગથી શાંતિ-સલામતી-સમૃદ્ધિ
બંને દેશોના વડા પ્રધાનોનું એક સંયુક્ત નિવેદન રજૂ થયું હતું. એમાં કહેવામાં આવ્યું હતું કે ભારત-જાપાન વચ્ચે થયેલા નવા કરારોથી બંને રાષ્ટ્રોને આર્થિક મજબૂતી તો મળશે જ, સાથે સાથે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ-સલામતી , સમૃદ્ધિ અને સ્થિરતા આવશે.
બંને દેશોના વડા પ્રધાનો વચ્ચે આર્થિક ઉપરાંત સાંસ્કૃતિક અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ બાબતે ચર્ચા થઈ હતી. ખાસ તો યૂક્રેન-રશિયાના યુદ્ધ બાબતે ચર્ચા થઈ હતી. યૂક્રેન-રશિયાએ સંવાદથી યુદ્ધનો ઉકેલ લાવવો જોઈએ એવો મત બંને દેશોના વડાપ્રધાનોએ વ્યક્ત કર્યો હતો.
ભારત-જાપાન વિશેષ ભાગીદારી
જાપાનના વડા પ્રધાન કિશિદાએ નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી થોડાક મહિનામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને ક્વાડ દેશોના શીખર સંમેલનને સફળ બનાવવા કામ થશે. કિશિદાએ બંને દેશોની ભાગીદારીને વિશેષ ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે છેલ્લું શિખર સંમેલન 2018માં જાપાનમાં યોજાયું હતું. સાડા ત્રણ વર્ષના અંતરાલ પછી આ સંમેલન યોજાયું હતું. આ વર્ષ ભારત-જાપાનના રાજદ્વારી સંબંધોનું 70મું વર્ષ હોવાથી બંને દેશોએ સંબંધો વધારે મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
યૂક્રેનમાં હિંસા અટકવી જોઇએઃ જાપાન-ભારત
ભારત-જાપાન શિખર સંમેલન અંતર્ગત યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન ફૂમિયો કિશિદા વચ્ચે દક્ષિણ ચીન સમુદ્ર, રશિયા-યુક્રેન યુદ્ધ વગેરે મુદ્દે પણ વાતચીત થઈ હતી. કિશિદાએ યૂક્રેન ઉપર રશિયાના હુમલાને ખૂબ જ ગંભીર ગણાવ્યો હતો અને આ હુમલાએ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને ફટકો પહોંચાડ્યો હોવાનું કહ્યું હતું. સંમેલન બાદ સંયુક્ત નિવેદનમાં મોદી અને કિશિદાએ યૂક્રેનમાં હિંસા તત્કાળ અટકાવીને વાતચીતના માધ્યમથી સમાધાન કરવા ઉપર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ યૂક્રેનના પરમાણુ પ્લાન્ટની સુરક્ષા ઉપર પણ ભાર મૂક્યો હતો. કિશિદાએ કહ્યું હતું કે યૂક્રેનની સ્થિતિ ઉપર ચર્ચા કરાઇ હતી અને યૂક્રેન પર રશિયાનો હુમલો એ ગંભીર મુદ્દો છે. આ મામલાને મજબૂત સંકલ્પ સાથે જોવાની જરૂર છે.
કિશિદાએ કહ્યું હતું કે તેઓએ મોદીને કહ્યું છે કે એકતરફી બળ મારફતે યથાસ્થિતિ બદલવાની કોશિશને અનુમતિ આપી શકાય નહીં. આ વિવાદનું આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ શાંતિપૂર્ણ રીતે સમાધાન થાય તેના માટે સહમતી સધાઇ છે.