જાપાનની 37 વર્ષની સાકી તમોગામીને ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ દૈનિકે દુનિયાની સૌથી કંજૂસ મહિલા ગણાવી છે. અખબારના દાવા પ્રમાણે, સાકી પાસે કરોડોની સંપત્તિ છે પણ રોજના માત્ર 200 યેન (લગભગ 120 રૂપિયા)માં ગુજરાન ચલાવે છે. સાકી એટલી કંજૂસ છે કે, તેણે જમવા માટે વાસણ પણ વસાવ્યાં નથી. કુકિંગ પેનમાં રાંધીને તેમાં જ ભોજન કરી લે છે. સાકી 19 વર્ષની ઉંમરે કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈને બહાર આવી પછી એક પ્રોપર્ટી ડિલર સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. ટીપે ટીપે સરોવર ભરાય એ ન્યાયે આ કમાણીમાંથી સાકી બચત કર્યા કરતી હતી. હવે સાકી પાસે જંગી સંપત્તિ છે પણ બચત કરવાની આદત પડી છે એ છૂટતી નથી. આમ સાકી નાણાં ખર્ચી જ શકતી નથી. છેલ્લાં 15 વર્ષથી સાકીએ ઘરમાં ફર્નિચર તો શું કપડાં પણ ખરીદ્યાં નથી. તે સગાંનાં ઉતરેલાં કપડાં પહેરે છે અને વાળ વધુ પડતાં લાંબા થઇ જાય તો તેને જાતે જ કાપીને વેચી નાંખી રોકડી કરી લે છે.