નવી દિલ્હીઃ જાપાનની સોફ્ટબેંકના પ્રેસિડેન્ટ નિકેશ અરોરાએ રાજીનામું આપ્યું છે. અરોરાએ સોફ્ટબેંકનો ચાર્જ સંભાળ્યો ત્યારે તેમના પગારના કારણે વિશ્વભરના મીડિયામાં તેમનું નામ ચમક્યું હતું. આ હોદ્દા માટે અરોરાને વાર્ષિક રૂ. ૫૦૦ કરોડનો પગાર મળતો હતો.
એવું કહેવાતું હતું કે, નિકેશ અરોરા સોફ્ટબેંકના સીઈઓ માસાયોશી સનના અનુગામી બનશે. જોકે, માસાયોશી સન સાથે કેટલાક મતભેદોના કારણે અરોરાએ રાજીનામું આપી દીધું છે. સોફ્ટબેંકે જણાવ્યું છે કે, માસાયોશી સન ઈચ્છતા હતા કે, સોફ્ટબેંકના વડા તરીકેનો હોદ્દો અરોરા સંભાળે. જ્યારે અરોરા થોડાક વર્ષો પછી આ હોદ્દો સંભાળવા માગતા હતા.
નિકેશ અરોરા સોફ્ટબેંકમાં જોડાયા એ પહેલાં ગૂગલમાં હતા. થોડા સમય પહેલાં અરોરા પર આરોપ મૂકાયો હતો કે, સોફ્ટબેંકના એક બેડ લોન કેસમાં તેઓ કોઈ પ્રાઈવેટ ઈક્વિટી ફંડ કંપનીના એડવાઈઝર તરીકે કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ ધરાવતા હતા. આ કેસમાં અરોરા તગડી રકમ કમાયા હોવાનો પણ આરોપ હતો. આ કેસમાં બેંકે એક તપાસ સમિતિની પણ રચના કરી હતી. જોકે તેમાં અરોરા સામે આ અંગેના કોઈ પુરાવા મળ્યા ન હતા.