ટોક્યોઃ દુનિયામાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. જાપાનમાં વધતા કોરોના કેસને જોતા વડા પ્રધાન યોશિહિદે સુગાએ આ મહિનાના અંતમાં પોતાનો ભારત અને ફિલિપાઇન્સનો પ્રવાસ રદ કર્યો છે. વડા પ્રધાન સુગા અત્યારે જાપાનામાં કોરોના ફેલાતો અટકાવવા માટે જરૂરી પગલાં લેવાં પર ધ્યાન આપી રહ્યા છે. ટોક્યો, ઓસાકા અને હ્યોગો રાજ્યોમાં સ્થિતિ કાબુ બહાર છે. જાપાનમાં રસીકરણની અત્યંત ધીમી ગતિના કારણે આ સ્થિતિ બની છે. બલ્યુમપર્ગ વેક્સિન ટ્રેકર અનુસાર જાપાનમાં ૨૦,૫૪,૮૦૦ લોકોને રસી અપાઇ છે. જ્યારે દેશની વસ્તી ૧૨ કરોડ ૬૧ લાખ છે. અહીં ૧ ટકા લોકોને પ્રથમ ડોઝ અને ૦.૬ ટકા લોકોને બંને ડોઝ અપાયા છે. સંક્રમણના કારણે ૨૩ જુલાઇથી શરૂ થનારા ઓલિમ્પિક ગેમ્સના આયોજન સામે જોખમ તોળાઇ રહ્યું છે. રાજ્યોના ગર્વનરોએ કટોકટી લગાવવાની માગ કરી છે. ટોક્યોમાં ૨૯ એપ્રિલથી ૯ મે સુધી કટોકટી લાગુ થઇ શકે છે. અહીં અત્યાર સુધી ૧૩ લાખ દર્દી અને ૧,૮૫૦થી વધુ મોત નોંધાયા છે.