વોશિંગ્ટનઃ વિશ્વભરના દેશોમાં કોરોનાની રસી શોધવાની, તેના ટ્રાયલની અને કેટલાક દેશોમાં રસીકરણની પણ પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે મંગળવારના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોના કેસનો કુલ આંક ૯૧૫૯૨૦૪૩, કુલ મૃતકાંક ૧૯૬૦૨૭૮ અને રિકવર કેસનો કુલ આંક ૬૫૫૧૧૬૨૧ નોંધાયો હતો. અમેરિકામાં વણસેલી રાજકીય સ્થિતિ વચ્ચે કોરોના કેસનો કુલ આંક મંગળવારે ૨૩૧૭૧૮૩૮, કુલ મૃતકાંક ૩૮૬૨૬૯ અને સાજા થયેલા દર્દીઓનો કુલ આંક ૧૩૬૮૬૧૧૭ નોંધાયો હતો. દરમિયાન બ્રિટન અને દક્ષિણ આફ્રિકા પછી હવે જાપાનમાં પણ કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન સામે આવ્યો હોવાના અહેવાલ છે. આ સ્ટ્રેન બ્રાઝિલથી જાપાન પહોંચ્યો હોવાનું મનાય છે.
જાપાન સરકારના જણાવ્યા અનુસાર આ સ્ટ્રેન બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં મળેલાં સ્ટ્રેનથી અલગ છે અને તે ચાર લોકોમાં મળ્યો છે જેમાં એક ૪૦ વર્ષનો પુરુષ, ૩૦ વર્ષની મહિલા અને બે કિશોરો છે. આ અગાઉ જાપાનમાં બ્રિટન અને દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેનના લગભગ ૩૦ કેસ નોંધાઈ ચૂક્યા હોવાના અહેવાલ ૧૧મી જાન્યુઆરીએ હતા. જાપાનમાં મંગળવારે કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૯૨૨૧૨, મૃતકાંક ૪૦૯૪ અને રિકવર થયેલા લોકોની સંખ્યા ૨૨૫૩૯૬ નોંધાઈ હતી.
રશિયા - મેક્સિકોમાં પણ નવો સ્ટ્રેન પહોંચ્યો
રશિયા અને મેક્સિકોમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનથી સંક્રમિતો મળી આવ્યાના અહેવાલ છે. આ બ્રિટિશ વેરિયન્ટ છે. નોંધનીય છે કે આ સ્ટ્રેનના દર્દીઓ ભારત સહિત ૪૦ દેશોમાં મળી આવ્યા છે. મેક્સિકોના તમૌલિપાસ રાજ્યના હેલ્થ સેક્રેટરીએ વિદેશથી આવેલી વ્યક્તિમાં નવો સ્ટ્રેન મળી આવ્યો હોવાનું સત્તાવાર સમર્થન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વ્યક્તિ સાથે સફર કરનારા યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે.મેક્સિકોમાં મંગળવારે કોરોના કેસની કુલ સંખ્યા ૧૫૪૧૬૩૩, કુલ મૃતકાંક ૧૩૪૩૬૮ અને કુલ રિકવરી આંક ૧૧૬૦૩૭૩ નોંધાયો હતો. દરમિયાન રશિયાએ પણ નવા બ્રિટિશ સ્ટ્રેનના પ્રથમ દર્દી મળ્યો હોવાની જાહેરાત ૧૧મીએ કરી હતી. આ વ્યક્તિ બ્રિટનથી પરત આવી હતી. ૧૨મીના અહેવાલો પ્રમાણે રશિયામાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૩૪૪૮૨૦૩, કુલ મૃત્યુ ૬૨૮૦૪ અને રિકવર થયેલા લોકોની સંખ્યા ૨૮૨૫૪૩૦ નોંધાઈ હતી.
ચીનમાં વિદેશી વિદ્યાર્થીઓને પહોંચવા મનાઈ
ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે, ચીનમાં નવેસરથી કોવિડ-૧૯ સંબંધી નિયંત્રણો અમલી થતાં ભારત અને ચીન વચ્ચે ચાર્ટર્ડ ફ્લાઇટ માટેની મંજૂરી આપવા ચીની સત્તાવાળાએ ઇનકાર કર્યો છે. ચીનની યુનિવર્સિટીઝમાં ૨૩૦૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે. મોટાભાગના વિદ્યાર્થી તબીબી શાખામાં અભ્યાસ કરે છે. તેમની શિક્ષણ સંસ્થાઓને ખોલવા મંજૂરી મળે તેની ભારતમાં તેઓ રાહ જોઇ રહ્યા છે. ચીની સત્તાનું કહેવું છે કે તેઓ ઓનલાઇન અભ્યાસ ચાલુ રાખી શકે છે, પણ વિદેશી વિદ્યાર્થીઓને ચીનમાં મંજૂરી આપવી હિતાવહ નથી. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ૩૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ કોરોનાનો જે પ્રથમ કેસ નોંધાયો તે કેરળમાં વુહાનથી પાછા ફરેલા વિદ્યાર્થીનો હતો.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના મૂળ શોધવા નીકળેલી WHOની ટીમને પણ ચીનમાં એન્ટ્રી મળી નહોતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ની ટીમ કોરોનાના મૂળની તપાસ કરવા માટે ચીનની મુલાકાતે જવાની હતી. ચીને તેમને પ્રવેશની ના પાડી દીધી હતી. વળી કોરોના ચીને લેબોરેટરીમાં બનાવ્યો હોવાની શંકા વધારે પ્રબળ બની હોવાનું પણ વિશ્વમાં ચર્ચાય છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ વારંવાર કોરોના માટે ચીનને જવાબદાર ઠેરવી ચૂક્યા છે. ચીનના આ વર્તનને કારણે ટ્રમ્પની વાતને વધુ સમર્થન મળ્યું છે.
ડબલ્યુએચઓના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ કોરોના મુદ્દે ચીન પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યા છે, એવા આક્ષેપો પણ ટ્રમ્પે કર્યા હતા. એ વચ્ચે ચીનના આ નિર્ણય પછી ટેડ્રોસ ચીન પર બગડયા હતા અને ચીની સત્તાધિશોના વલણની ટીકા કરી હતી. ટેડ્રોસે કહ્યું હતું કે, અમારા બે સભ્યોએ તો પ્રવાસ શરૂ કરી દીધો હતો અને બીજા સભ્યો પાછળથી જોડાવાના હતા, પણ ચીને તેમની વિઝા પ્રક્રિયા પૂરી કરી નથી. અમે આ વાતનો ઉકેલ લાવવા ચીની સત્તાધિશો સાથે સંપર્કમાં છીએ.