ટોક્યોઃ જાપાનમાં રોબોટ્સનું વેચાણ ૩૦ ટકા સુધી વધી ગયું છે. આધુનિક ટેક્નોલોજીના પ્રણેતા ગણાતા દેશ માટે આમાં કંઇ નવાઇજનક વાત નથી, પરંતુ આની પાછળનું કારણ જાણશો તો પ્રવર્તમાન સમાજવ્યવસ્થા વિશે અવશ્ય ચિંતા થશે. વાત એમ છે કે જાપાનના લોકો તેમના પાર્ટનરના બદલે રોબોટ સાથે વાત કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. અને આ કારણથી દેશમાં એન્ડ્રોઇડ રોબોટ્સનું વેચાણ ૩૦ ટકા સુધી વધી ગયું છે.લોકો ૬૦ હજાર રૂપિયાથી માંડીને ૧.૭૦ લાખ રૂપિયા સુધીની કિંમતના રોબોટ ખરીદીને ઘરે લાવી રહ્યા છે. જે પાલતુ પ્રાણીનું સ્થાન તો લઈ જ રહ્યા છે, સાથે સાથે લોકોને સ્વજનોથી દૂર પણ કરી રહ્યા છે.
વાત એમ છે કે કોરોના મહામારી દરમિયાન કરોડો લોકો ઘરમાં રહ્યાં. લોકોએ મોટા ભાગનો સમય સ્વજનો સાથે પસાર કર્યો પણ ૧૨.૬૫ કરોડની વસ્તીવાળા જાપાનમાં લોકોએ એકલા રહેવાનું પસંદ કર્યું. એકલતા અનુભવી તો તેના નિવારણ માટે પોતાની સાથે વાતચીત કરી શકે તેવા રોબોટ ખરીદ્યા.
૨૩ વર્ષીય નામી હમૌરા જણાવે છે કે, ‘મેં એપ્રિલ-૨૦૨૦માં રોબોટ ખરીદ્યો હતો. તે મારી સાથે વાતચીત કરે છે. જરૂરી વાતો પણ યાદ કરાવે છે. તે પ્રેમીથી બહેતર છે.’ રોબોટ્સની આ વધતી લોકપ્રિયતા જાપાનના વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બની ગઈ છે. તંત્ર દ્વારા આવનારા સમયમાં આ સમસ્યા ઉકેલવા નક્કર પગલાં લેવાય તેવી શક્યતા છે.
ગત વર્ષે ૨૭ હજાર બાળકો ઓછા જન્મ્યા
આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં એક રિપોર્ટ જારી કર્યો છે, જેમાં જણાવાયું હતું કે, ૨૦૨૦માં આગલા વર્ષ ૨૦૧૯ની સરખામણીએ ૨૭ હજાર બાળકો ઓછા જન્મ્યા છે. આ સાથે જ મેરેજ રજિસ્ટ્રેશનમાં પણ ૧૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સંજોગોમાં જાપાન સરકાર ઈચ્છે છે કે વધુમાં વધુ લોકો લગ્ન કરે અને સંતાનોને જન્મ આપે.