ટોક્યો: જાપાનમાં વૃદ્ધો દ્વારા થતાં ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૦ વર્ષમાં અહીં ૬૫ વર્ષથી વધુ વયના લોકોની જેલમાં જવાની સંખ્યા ત્રણ ગણી વધી છે. તેનું કારણ જેલમાં આઝાદી અને મફત ભોજનની સુવિધા છે. સાથે જ ફ્રી મેડિકલ ચેકઅપ પણ થઈ જાય છે. આ કારણે ઘણા વૃદ્ધો વારંવાર ગુના કરી રહ્યા છે.
૧૯૯૭માં ૨૦ ગુનેગારોમાંથી એક ગુનેગાર ૬૫ વર્ષની વયનો રહેતો હતો, પરંતુ હવે આ આંકડો પાંચ વૃદ્ધોનો થઈ ગયો છે. ૨૦૧૬માં જ અઢી હજારથી વધુ વૃદ્ધો જુદા જુદા ગુનામાં દોષિત ઠર્યા હતા. જાપાનની વસતી ૧૨.૬૮ કરોડ છે. તેમાંથી ૬૫ વર્ષની વધુની વયના આશરે ૩ કરોડ લોકો છે.
હિરોશિમાના રહેવાસી ૬૯ વર્ષના તોશિયો તકાતા ૮ વર્ષ જેલમાં વિતાવી ચૂક્યા છે. તેઓ કહે છે કે મેં નિયમ એટલા માટે તોડ્યો કે હું ગરીબ હતો. હું એવી જગ્યા ઇચ્છતો હતો જ્યાં મફતમાં ખાવા-પીવાની વ્યવસ્થા થઈ શકે. હું પેન્શનના તબક્કામાં પહોંચી ગયો હતો અને પૈસા વિનાનું જીવન વિતાવી રહ્યો હતો. તોશિયોએ પહેલો ગુનો ૬૨ ગુનો ૬૨ વર્ષની વયે કર્યો હતો. પરંતુ કોર્ટે દયા દાખવી માત્ર એક વર્ષની જેલ કરી હતી. ત્યાર પછી તેમણે અનેક ગુના આચર્યા.
તોશિયોના જણાવ્યા મુજબ મેં એક વખત પાર્કમાં મહિલાઓને માત્ર ચપ્પુ દેખાડ્યું હતું જેથી તેઓ ડરીને પોલીસને બોલાવી લે. જેલમાંથી બહાર આવ્યો તો મેં થોડા પૈસા પણ બચાવી લીધા. જ્યારે ૭૦ વર્ષનાં ઓકુયાના કહે છે કે હું મારા પતિ સાથે રહેવા માગતી ન હતી તેથી મેં ચોરી કરી. ઘણી મહિલાઓ જે બરાબર ચાલી પણ નથી શકતી તેઓ એટલા માટે ગુનો કરે છે કે તેમની પાસે ખાવાના પણ પૈસા નથી.