ટોક્યોઃ જાપાનમાં ચોથી સપ્ટેમ્બરથી ફુંકાયેલા છેલ્લા ૨૫ વર્ષના સૌથી ભયંકર વાવાઝોડા ‘જેબી’ની ઝપટમાં ૧૧થી વધુ લોકોનાં મોત થયા છે અને ૪૭૦ લોકો ઘાયલ થયા છે. ૨૧૬ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે અનેક ટ્રકોએ સંતુલન ગુમાવી દીધું હતું અને સમુદ્રમાં ૨૫૦૦ ટનનું ટેન્કર પુલ સાથે અથડાતાં ઓસાકાના કંસાઇ એર પોર્ટના રસ્તા બંધ થઇ ગયા હતાં. એર પોર્ટ નજીક એક પુલ તૂટી જવાને કારણે એર પોર્ટ અલગ પડી જતાં ૩૦૦૦ પ્રવાસીઓ ફસાઇ ગયા હતાં. એર પોર્ટ પર ફસાઇ ગયેલા લોકોને હોડીની મદદથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. સુરક્ષાની તપાસ કર્યા પછી ક્ષતિગ્રસ્ત પુલની એસ બાજુથી બસોની અવરજવર શરૂ કરી દેવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એર પોર્ટ પર ૩૦૦૦ લોકો ફસાયા હતાં. તે પૈકી ૨૦૦૦થી ૨૫૦૦ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
૪ લાખ મકાનોમાં અંધારપટ
જાપાનનો ક્ષતિગ્રસ્ત વિસ્તાર જળબંબાકાર બનતાં ચાર લાખ મકાનોમાં લાંબો અંધારપટ છવાયો હતો અને ૧૨ લાખ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ચોથીએ ૧૬૦૦૦ લોકોને રાહત શિબિરમાં રાત્રિ ગુજારવાની ફરજ પડી હતી.