ટોક્યોઃ બ્રિટન હોય, ભારત હોય કે બીજા કોઇ પણ દેશમાં નજર કરશો તો દાદા-દાદીની વયના વડીલો સક્રિય જીવનમાંથી નિવૃત્તિ બાદ ધાર્મિક કે સામાજિક કે પછી પારિવારિક પ્રવૃત્તિમાં વ્યસ્ત જોવા મળશે, પણ દાદાઓની આ ત્રિપુટીની વાત અલગ છે. જાપાનમાં ‘ગ્રાન્ડપા ગેંગ’ નામથી કુખ્યાત ત્રણ વૃદ્ધોના ગ્રૂપે એવો તે ઉધામો મચાવ્યો છે કે પોલીસ તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ ગેંગના ત્રણ બુઢ્ઢા હોક્કાઈડો ટાપુ પરના બંધ ઘરોમાં ઘૂસીને ચોરીઓ પર ચોરીઓ કરે છે. સીસીટીવીના આધારે ત્રણેયની ઓળખ તો થઈ ગઈ છે પણ પોલીસ તેમને પકડી શકતી નથી.
આ ગેંગનો લીડર હીડેયો ઉમિનો 88 વર્ષનો છે જ્યારે હિડેમી માતસુદા 70 વર્ષનો અને કેનિચી વાતાનો 69 વર્ષનો છે. ચોરીના ગુનામાં આ ત્રણેય બુઢ્ઢા જેલમાં સાથે હતા ત્યારે દોસ્તી થયેલી. આથી જેલમાંથી બહાર આવ્યા બાદ આ ત્રણેયે ગેંગ બનાવીને બંધ ઘરોમાં લૂંટફાટ શરૂ કરીને આતંક મચાવી દીધો છે.
જાપાનમાં લાખોની સંખ્યામાં ઘરો બંધ પડેલાં છે. આ બંધ ઘરોની સંભાળ રાખનારું કોઈ નથી. ગ્રાન્ડપા ગેંગ આવાં ઘરોમાં ઘૂસીને દારૂની બોટલોથી માંડીને હોમ એપ્લાયન્સસ સહિત જે કંઇ હાથ લાગે એ બધું સાફ કરી જાય છે. હમણાં એક જગાએ તો તેમના હાથમાં લાખોની જ્વેલરી આવી જતાં તિજોરી સાફ કરી નાંખી હતી.