લંડન/મોસ્કોઃ બ્રિટનમાં રશિયન પૂર્વ જાસૂસ સર્ગેઇ સ્ક્રિપાલ (૬૬) અને તેની પુત્રી યુલિયા સ્ક્રિપાલ (૩૩)ને સેલિસબરીમાં ઝેર આપવાના મામલે વિવાદ ઘેરો બની રહ્યો છે. સર્ગેઈ સ્ક્રિપાલ અગાઉ રશિયાનો જાસૂસ હતો. તે પાછળથી ફૂટી ગયો હતો અને બ્રિટનને કેટલીક અગત્યની માહિતી આપી દીધી હતી. આ મામલે રશિયા અને બ્રિટને એકબીજાના ૨૩ રાજદૂતોને પોતાના દેશમાંથી હાંકી કાઢ્યા છે. વૈશ્વિક સ્તરે આ પ્રકારે રાજદૂતોને હાંકી કાઢવા તે બંને દેશો વચ્ચેની કડવાશની પરાકાષ્ઠા ગણાય છે. દરમિયાન રશિયાના પ્રવક્તા દિમિત્રી પાસ્કોવે જણાવ્યું હતું કે બ્રિટને આ વાહિયાત આક્ષેપોનો જવાબ આપવો જ પડશે. આક્ષેપોને સાબિત કરવા પૂરાવા રજૂ કરવા પડશે અથવા રશિયાની માફી માંગવી પડશે. રશિયાના વિદેશ મંત્રાલયે ૨૩ તેના રાજદૂતો મંગળવારે બ્રિટન છોડી દેશે તેમ જણાવ્યું હતું.
બ્રિટને અગાઉ રશિયાના ૨૩ રાજદૂતોને હાંકી કાઢ્યા હતા. તેના જવાબમાં રશિયાએ પણ બ્રિટનના ૨૩ રાજદૂતોને દેશમાંથી હાંકી કાઢ્યા છે. અમેરિકા અને બ્રિટન રશિયન જાસૂસની ગંભીર હાલત માટે પુતિન સરકારને જવાબદાર માને છે. રશિયાએ તેના દેશમાં આવેલી બ્રિટિશ કાઉન્સિલ પણ બંધ કરી દીધી હતી.
અમેરિકા અને બ્રિટન રશિયન જાસૂસના મૃત્યુ માટે પુતિન સરકારને જવાબદાર માને છે.
રશિયાએ બ્રિટિશ રાજદૂતોને દેશ છોડવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. વિદેશ મંત્રાલયે બ્રિટનના રાજદૂત લાઉરી બ્રિસ્ટોને બોલાવ્યા પછી નિવેદનમાં જણાવ્યું હતું, ‘ અમારા (રશિયા) પર હત્યાનો પાયાવિહોણો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. બ્રિટનને આ અમારો જવાબ છે. તેમ છતાં બ્રિટન કોઈ પણ બિનમૈત્રીપૂર્ણ પ્રવૃત્તિ કરશે તો રશિયા તેનો જરૂર જવાબ આપશે.
અત્યાર સુધી કોણે શું કર્યું ?
બ્રિટન
બ્રિટને ૨૩ રશિયન રાજદૂતોને હાંકી કાઢ્યા હતા. બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ સંસદમાં જણાવ્યું હતું કે હાંકી કઢાયેલા તમામ રશિયન રાજદૂત વણજાહેર જાસૂસ હતા, તેથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. થેરેસા મેએ ફૂટબોલ વિશ્વ કપ નીહાળવા રશિયાના વિદેશમંત્રીએ આપેલું આમંત્રણ પણ ફગાવી દીધું હતું. આ વર્ષના અંતમાં રશિયામાં યોજાનારી ફૂટબોલ વિશ્વ કપમાં શાહી પરિવાર હાજરી આપશે નહીં.
અમેરિકા
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હસ્તક્ષેપ અને વિશ્વભરમાં સાઈબર હુમલાના કારણે ટ્રમ્પ શાસને રશિયાના ૧૯ લોકો અને પાંચ ગ્રૂપ પર પ્રતિબંધ મૂકી દીધો. તેમાં રશિયાની જાસૂસી સંસ્થા એફએસબી અને જીઆરયુનો પણ સમાવેશ થાય છે.
રશિયા
રશિયા તેના પર મૂકવામાં આવેલા આક્ષેપોને નકારી રહ્યું છે. રશિયાનું કહેવું છે કે બ્રિટન અને અમેરિકા પૂરાવા આપે. ત્યાર પછી રશિયાએ પણ બ્રિટનના ૨૩ રાજદૂતોને હાંકી કાઢ્યા હતા.
પુતિનનું નામ લેતા નારાજગી
શુક્રવારે બ્રિટનના વિદેશ પ્રધાન બોરિસ જહોન્સને જણાવ્યું હતું કે તેમને સંપૂર્ણપણે લાગે છે કે આ તેમનો (પુતિનનો) નિર્ણય હતો. બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વખત બ્રિટન-યુરોપના માર્ગો પર નર્વ એજન્ટના ઉપયોગ માટે તેમણે (પુતિન) આદેશ આપ્યા. તેના જવાબમાં પુતિનના પ્રવક્તા દિમીટ્રી પેરકોવે જણાવ્યું હતું કે જહોન્સનના દાવા રાજદ્વારી પ્રોટોકોલના નિયમોનો ભંગ કરનારા છે. બ્રિટનના આવા આરોપ ચોંકાવનારા અને અક્ષમ્ય છે.
બ્રિટિશ કાઉન્સિલ પર પ્રતિબંધ
રશિયાએ તેના દેશમાં બ્રિટિશ કાઉન્સિલની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સાંસ્કૃતિક સંબંધો અને શિક્ષણની તકો ઉપલબ્ધ કરાવતી બ્રિટનની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. દુનિયાભરમાં તેની ઓફિસો છે.