પેરુની સંસદે વડા પ્રધાન અના જારાને સસ્પેન્ડ કર્યા છે. જારા પર સાંસદો, બિઝનેસમેન અને પત્રકારોની જાસૂસી કરવાનો આરોપ હતો. રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં થયેલા મતદાનમાં જારાની વિરુદ્ધ ૭૨ મત અને તરફેણમાં ૪૨ મત પડ્યા હતા. બે સદસ્યો ગેરહાજર હતા. આ ૧૯૬૮ બાદ પ્રથમ ઘટના છે કે કાર્યકાળ દરમિયાન વડા પ્રધાનને સસ્પેન્ડ કરાયા હોય. જારાનો એક વર્ષનો કાર્યકાળ બાકી હતો.
હવે ઝરદારીની પુત્રી રાજકારણમાં આવશેઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી હવે પોતાની પુત્રી બખ્તાવરને રાજકારણમાં ઉતારશે. અગાઉ તેઓ પોતાના પુત્ર બિલાવલને રાજકારણમાં લાવ્યા હતા. બિલાવલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કાર્યવાહક અધ્યક્ષ છે. જોકે, તાજેતરમાં જાણવા મળ્યું હતું કે, ઝરદારી અને બિલાવલની વચ્ચે મતભેદ છે. પરંતુ હવે આ અટકળો તેજ બની છે. બિલાવલ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન બાદ ઉચ્ચ શિક્ષણ માટે રાજકારણમાંથી બે વર્ષનો બ્રેક લેવા ઇચ્છે છે. તેની ગેરહાજરીમાં ઝરદારીએ પુત્રીને રાજકારણમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.
અલ-કાયદાએ ૩૦૦થી વધુ કેદીઓને છોડાવ્યાઃ યમનમાં આંતરવિગ્રહના ગંભીર સંકટ વચ્ચે અલ-કાયદાના ત્રાસવાદીઓ ગત સપ્તાહે તટીય શહેર અલ-મુકલ્લાની જેલ પર હુમલો કરીને અનેક ત્રાસવાદીઓ સહિત ૩૦૦થી પણ વધારે કેદીઓને છોડાવ્યા હતા. તેમાં અલ-કાયદાના ટોચના ત્રાસવાદી ખાલીદ બતારફીનો પણ સમાવેશ થાય છે. અલ-મુકલ્લાના મુખ્ય માર્ગો પર પણ ત્રાસવાદીઓ ગોઠવાઇ જતાં તેઓ શહેર પર કબજો જમાવે તેવી ભીતિ સેવાઇ રહી છે. જેલમાં ત્રાસવાદીઓ અને ગાર્ડસ વચ્ચેની હિંસક અથડામણોમાં બે ગાર્ડ અને પાંચ કેદીના મોત થયા હતા. બીજી તરફ યમનના એડનમાં સાઉદી નેતૃત્ત્વ હેઠળના ગઠબંધન દળોના હવાઇ હુમલામાં ૧૮ નાગરિકો સહિત ૪૪ લોકોનાં મોત થયા હતા.
મુશર્રફ સામે બિનજામીનપાત્ર વોરન્ટઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ સામે ઈસ્લામાબાદની એક કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ મુદ્દો લાલ મસ્જિદના મૌલવ અબ્દુલ રશિદ ગાઝીની હત્યા સાથે સંબંધિત છે. મુશર્રફના વકીલે બીમારીના ઓઠા હેઠળ હાજર થવામાંથી મુક્તિ માંગી હતી, જે કોર્ટે નકારી છે. મુશર્રફ અત્યારે કરાચીમાં પોતાની દીકરી સાથે રહે છે. હવે આ કેસની સુનાવણી ૨૭ એપ્રિલે થશે.
રશિયામાં જહાજ ડૂબવાથી ૫૪ લોકોનાં મોતઃ રશિયાના દૂર પૂર્વના વિસ્તારમાં કમચટકા દ્વીપ નજીક એક માછીમાર ટ્રોલર ડૂબી જવાથી ૫૪ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ૧ એપ્રિલે રાત્રે ઓખોસ્ક દરિયામાં બની હતી. આ માછીમાર ટ્રોલર દાલ્ની વોસ્તોક પર ૧૩૨ લોકો હતા. ઠંડા પાણીમાંથી ૬૩ લોકોને જીવતાં બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી નવ લોકોની હાલત ગંભીર છે. ટ્રોલરમાં સવાર લોકોએ ડૂબતા બચાવતો સૂટ પહેર્યો હોવાથી લગભગ શૂન્ય ડીગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા પાણીમાં તેની સ્થિતિ ખરાબ થઈ હતી.
બાર્સેલોનાની હોસ્પિટલમાં સૌથી જટિલ ઓપરેશન સફળઃ સ્પેનના બાર્સેલોનાની હોસ્પિટલમાં એક અનોખું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું છે. હોસ્પિટલે દાવો કર્યો છે કે તેણે વિશ્વની સૌથી જટિલ ચહેરાની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધી મોઢાની આટલી જટિલ સર્જરી ક્યારેય થઇ નથી. ડોક્ટર્સે આ વ્યક્તિનું ૨૭ કલાક સુધી ઓપરેશન હાથ ધર્યું હતું, જે દરમિયાન ચહેરાની સૌથી જટિલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી છે. ૪૫ વર્ષીય આ પુરુષનું મોઢું, નાક, જીભ, ગળું વગેરેને ફરી જોડવામાં આવ્યાં હતા. સ્પેનના બાર્સેલોનામાં આવેલી વેલ ડિહેબરોન હોસ્પિટલમાં ૪૫ ડોક્ટર્સની મદદથી આ સર્જરી કરવામાં આવી તે ચેહરાના નીચના આખા ભાગમાં કરવામાં આવી હતી.