ન્યૂ યોર્કઃ અમેરિકા-કેનેડાના વિજ્ઞાનીઓએ જિનેટિકલ એન્જિનિયરિંગ થકી કમાલ સર્જી છે. તેમણે ડીએનએમાં સુધારો કરીને ડાયમંડબેક મોથ (હીરાના આકાર જેવું માથું ધરાવતું જીવડું) તૈયાર કર્યું છે. સાઉથ એશિયા, અમેરિકા, યુરોપ, ન્યુઝિલેન્ડ વગેરે ભાગોમાં જોવા મળતું આ નાનકડું જીવડું બહુ ખેપાની છે. ખેતરમાં જોવા મળતાં ડાયમંડબેક મોથ દર વર્ષે અંદાજે પાંચ બિલિયન ડોલરનો પાક નષ્ટ કરે છે. ગમેતેટલી દવા છાંટવા છતાં તેનો ઉપદ્રવ ન અટકતાં વિજ્ઞાનીઓએ ઝેરનું મારણ ઝેર જેવો આ ઉપાય અજમાવ્યો છે. ડીએનએમાં ફેરફાર કરીને વિકસાવાયેલું આ જીવડું જંગલમાં મૂકાયું છે, જ્યાં તે કોઈ માદા સાથે સંસર્ગ કરશે એટલે માદાનું મોત થશે. માદાનું મોત થાય એટલે આપોઆપ ઈંડા મુકનારા જીવડાં ઘટતાં જશે. અત્યારે પ્રાયોગિક ધોરણે એક જીવડું તૈયાર થયું છે અને તેને ન્યૂ યોર્ક સ્ટેટના એક ખેત વિસ્તારમાં મૂકાયું છે. જો પ્રયોગ સફળ રહ્યો અને સરકાર મંજૂરી આપશે તો ભવિષ્યમાં ડિઝાઈનર જીવડાંની ફોજ ઊભી કરાશે.