મુંબઇઃ ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો ફિનલેન્ડ સ્થિત નોકિયામાં 1.7 બિલિયન ડોલર (આશરે 14,000 કરોડ રૂપિયા)નું રોકાણ કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હેલસિન્કી સ્થિત નોકિયાના હેડ ક્વાર્ટર ખાતે આ કરાર પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. રિલાયન્સ જિયો 5-જી ટેકનોલોજીને લઈને નોકિયામાં રોકાણ કરવા જઈ રહી છે. અગાઉ રિલાયન્સ જિયોએ સ્વિડિશ મલ્ટીનેશનલ કંપની એરિક્સન પાસેથી 2.1 બિલિયન ડોલરમાં ઉપકરણોની ખરીદી કરવાની જાહેરાત કરી હતી. રિલાયન્સ જિયો ચાલુ વર્ષના અંત સુધીમાં 5-જી બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. એરિક્સન તથા નોકિયા સાથેના કરાર માટે ભંડોળ એકત્ર કરવા રિલાયન્સ જિયો દ્વારા એચએસબીસી, જેપી મોર્ગન અને સિટીગ્રૂપ સહિતની વિવિધ આંતરરાષ્ટ્રીય બેન્કોનો ટેકો મેળવ્યો છે.