નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની જિયોની કપરા સમયમાંથી પસાર થઇ રહી હોવાના અહેવાલે ઉદ્યોગજગતમાં હલચલ મચાવી છે. એક અહેવાલમાં તો એવો પણ દાવો થયો છે કે જિયોની કંપની દેવાળું ફૂંકે તો પણ નવાઇ નહીં. મીડિયા અહેવાલ અનુસાર જિયોનીના ચેરમેન લિયો લિરોંગ સાઇપૈનના એક કેસીનોમાં જુગાર રમતી વખતે ૧૪૦ મિલિયન ડોલરની તોતિંગ રકમ હારી ગયા છે.
ચાઇનીઝ વેબસાઇટ સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ www.scmp.comમાં પ્રકાશિત અહેવાલ અનુસાર જિયોનીના ચેરમેન લિયુ લિરોંગની જુગાર રમવાની આદત કંપનીને ભારે પડી ગઇ છે. જોકે અત્યાર સુધી કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
‘સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ’માં પ્રકાશિત સમાચાર અનુસાર, જિયોનીના સંસ્થાપકે સ્વીકાર્યું છે કે તેમણે હોંગકોંગ લિસ્ટેડ સાઇપૈનના એક કેસીનોમાં જુગાર રમવા માટે કંપનીની એસેટનો ઉપયોગ કર્યો. જોકે તેણે ૧૪૦ મિલિયન ડોલર હારવાની વાતનો ઇન્કાર કરી દેતાં સ્પષ્ટ કહ્યું હતું કે આ રકમનો નાનકડો ભાગ જુગારમાં લગાવ્યો છે. લિરોંગે કહ્યું કે આ કેવી રીત શક્ય છે કે હું આટલી મોટી રકમ હારી જાઉં.
જોકે ‘સિક્યોરિટી ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર જિયોનીના ચેરમેન લિરોંગને પૂછવામાં આવ્યું કે તેમણે જુગારમાં કેટલા રૂપિયા હાર્યા છે. તો તેમણે ૧૪૦ મિલિયન ડોલર હારવાની વાત સ્વિકારી હતી.
જિયોની દુનિયામાં છઠ્ઠી સૌથી મોટી હેંડસેટ નિર્માતા કંપની છે. હવે જ્યારે જિયોનીના આર્થિક ગેરવ્યવહારના સમાચાર આવી રહ્યા છે ત્યારે જિયોનીના માર્કેટમાં વિપરીત અસર પડી શકે છે.
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે જિયોની પોતાના સપ્લાયર્સને નાણાં ચૂકવી શકતી નથી. સમાચારોમાં એવો પણ દાવો થયો છે કે લગભગ ૨૦ સપ્લાયરોને ૨૦ નવેમ્બરના રોજ શેન્જેન ઇંટરમીડિએટ પીપલ્સ કોર્ટમાં નાદારીની અરજી કરી છે. આ પહેલાં એપ્રિલમાં સમાચાર આવ્યા હતા કે જિયોની ભારતમાં આ વર્ષે ૬.૫ બિલિયન રૂપિયાનું રોકાણ કરશે અને જિયોની દેશના ટોચના પાંચ સ્માર્ટફોન બ્રાંડમાં સ્થાન મેળવવા માંગે છે.
જોકે આર્થિક કટોકટી છતાં જિયોની હાલ માર્કેટમાંથી નીકળી નહીં જાય. કંપની હજી પણ ચીન અને ભારતમાં મોબાઈલનું વેચાણ ચાલુ રાખશે. કંપની સાથે વ્યવહાર કરતી ૪૦૦ જેટલી કંપનીઓને હજી સુધી પેમેન્ટ મળ્યાં નથી. કંપનીને માથે વિવિધ સપ્લાયર્સ, માર્કેટિંગ એજન્સી અને એડવર્ટાઇઝર્સના બિલની ચૂકવણી પેટે જંગી દેવું છે. લિરોંગે જણાવ્યું કે જિયોનીનાં નાણાંનો દુરુપયોગ નથી કર્યો પણ તેમણે બોરોઈંગ કંપની ફંડમાંથી પૈસા ઉપાડ્યા છે.