જે લોકો વધતી વયનું કે મોટી ઉંમરનું બહાનું કાઢીને હામ હારીને બેસી ગયા છે કે બેસી જવાનું પસંદ કરે છે તેમણે આઈલીન ક્રેમરને સ્ટેજ પર્ફોર્મ કરતાં જોવાં જોઇએ. તેમની ઉંમર ૬૦, ૭૦ કે ૮૦ નહીં, પણ પૂરાં ૧૦૭ વર્ષ છે. તેમને પર્ફોર્મ કરતાં નિહાળીને કોઇના પણ મોંમાંથી શબ્દો સરી પડશેઃ જીના ઇસીકા નામ હૈ. આઈલીન ડાન્સર, આર્ટિસ્ટ, ફિલ્મકાર, કોરિયોગ્રાફર જ નહીં, સફળ લેખક પણ છે. તેમણે ૭ સફળ ડાન્સ કોન્સર્ટમાં ભાગ લીધો છે અને બે પુસ્તક લખ્યા છે અને ૩ શોર્ટ ફિલ્મો બનાવી છે. બે ડાન્સ ફેસ્ટમાં ભાગ લેતાંની સાથે જ તેઓ ફિલ્મમેકિંગ અને ડાન્સની ટ્રેનિંગ આપવામાં વ્યસ્ત થઇ છે. વાંચો, આઇલીનની જીવનકહાની અંશો, તેમના જ શબ્દોમાંઃ
‘ભારતથી પ્રેમ થઈ ગયો હતો...’
મારો જન્મ ૧૯૧૪માં થયો છે. સિડનીમાં જ સંગીતનો અભ્યાસ કર્યો. ૨૪ વર્ષની વયે ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ડાન્સ કંપની બોડેનવઈઝરનો હિસ્સો બની. ૧૯૪૦થી લઈને ૨૦૦૦ સુધી એટલે કે ૬૦ વર્ષ સુધી દુનિયાભરમાં અનેક દેશોમાં ફરી. આ દરમિયાન ભારત અને પાકિસ્તાનમાં પણ પરફોર્મન્સ આપ્યું. ૧૯૫૩થી ૧૯૫૭ સુધી ભારતમાં રહી. મને ભારતથી પ્રેમ થઈ ગયો હતો. દિલ્હીની તાજ હોટેલમાં પરફોર્મન્સ દરમિયાન પ્રસિદ્ધ હોટેલિયર વિક્કી ઓબેરોય સાથે મુલાકાત મને યાદ છે. આ બધું જાણે કાલની જ વાત હોય તેવું મને લાગે છે.
‘ભારતીય દાળ બહુ ભાવે’
ભારત માટે દિલમાં ખાસ જગ્યા એટલા માટે પણ છે કે આ દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી તમામ સમુદાયના લોકો હળી-મળીને રહે છે. જે પ્રેમ ભારતમાં મળ્યો તે ક્યારેય ભૂલી ના શકું. ભારતીય ભોજનમાં મને દાળ તેમજ ખીરાનું રાયતું ખૂબ પસંદ છે. ભારત યાત્રા બાદ મેં મહાત્મા બુદ્ધની પત્નીના જીવન પર આધારિત ‘અ બુદ્ધાઝ વાઈફ ડાન્સ ડ્રામા’ વર્ષ ૨૦૧૭માં તૈયાર કર્યું. જીવનનો મોટો ભાગ પેરિસમાં વીત્યો. અહીં મારી મુલાકાત ઈઝરાયલી મૂળના અમેરિકી ફિલ્મ નિર્માતા બરુચ શાદમી સાથે થઈ. અમે બંનેએ સાથે મળીને ફિલ્મો બનાવી.
આ દરમિયાન અમે સાથે રહેવા લાગ્યા. થોડા સમય બાદ લગ્ન કરી લીધા. પણ બરુચની બીમારીને કારણે મારે ૧૮ વર્ષ સુધી કામથી દૂર રહેવું પડ્યું. ૧૯૮૮માં બરુચના મોત બાદ મારા જીવનમાં જાણીતા ધનિક બિલ ટકવિલર આવ્યા. આ દરમિયાન ૨૦૦૮માં મેં પોતાના જીવન પર આધારિત પ્રથમ પુસ્તક ‘વોટઅબાઉટ ડાન્સર’ લખ્યું. મારું લખેલું પુસ્તક ટીનેજર્સને વધારે પસંદ છે. ૨૦૧૭માં ટકવિલરના નિધન બાદ મેં બાકીનું જીવન સિડનીમાં વીતાવવાનો નિર્ણયકર્યો. ૯૯ વર્ષની વયે પોતાના શહેરમાં પાછી ફરી. મારી પાસે આજ સુધી ન તો કોઈ મિલકત છે, ન તો કોઈ મકાન કે કોઈ કાર. ટીવી કે ફ્રીજ પણ નથી. ન ક્યારેય ખરીદયા, ન તો તેની જરૂરિયાત અનુભવી. સિડનીના એક ઓલ્ડ એજ હોમમાં એકલી રહું છું. અને બધું કામ જાતે કરું છું...
મારા પરિવારમાં કોઈ નથી. તેમ છતાં હું ક્યારેય ઉદાસ થતી નથી. હું જીવનથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું. મને રાષ્ટ્રીય ધરોહર માનતા ઓસ્ટ્રેલિયાની નેશનલ આર્ટ્સ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટે પોતાની એમ્બેસેડર બનાવી છે અને મારા આર્થિક ઉપાર્જન સહિત કામ સંબંધિત તમામ પ્રોજેક્ટમાં મદદ કરે છે. પ્રસિદ્ધ ફિલ્મનિર્માતા સ્યુ હીલી સહકર્મીની જેમ મારી મદદ કરે છે.
મારી ડિક્શનરીમાં ઓલ્ડ એટલે કે વૃદ્ધ શબ્દ જ નથી. હું મારી જાતને ક્યારેય વૃદ્ધ માનતી જ નથી.