પ્રેમના પર્વ વેલેન્ટાઇન ડે પૂર્વે 7 ફેબ્રુઆરીના રોઝ ડે હરખભેર ઉજવાયો. અનેક લોકોએ તેમના પ્રિયજનને લાલ-ગુલાબી-પીળું-સફેદ કે અન્ય રંગની ગુલાબ કે ગુલાબનો આખો બુકે આપીને પોતાના પ્રેમને અભિવ્યક્તિ કરી હશે. પણ જુલિયટ રોઝ નામના ગુલાબની વાત અલગ છે. જુલિયટ રોઝ દુનિયાના સૌથી કિંમતી ગુલાબનું બહુમાન ધરાવે છે. આ ગુલાબને ડેવિડ ઓસ્ટિને 15 વર્ષોની મહેનતથી વિકસાવ્યું છે. આ દુર્લભ ક્રોસબ્રીડ ગુલાબ એપ્રિકોટ રંગનું હોય છે અને તે અનોખી સુગંધ માટે જાણીતું છે. 2006માં તેને 90 કરોડ રૂપિયામાં વેંચવામાં આવ્યું ત્યારથી તે અત્યાર સુધીનું સૌથી મોંઘું ગુલાબ બની રહ્યું છે. આજના દિવસે તેની અંદાજિત કિંમત 130 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. આ ગુલાબ સૌથી ખાસ વાત એ છે કે તે સૂકાયા વિના લગભગ ત્રણ વર્ષ સુધી તાજું રહે છે. જુલિયટ રોઝ આટલું મોંઘુંદાટ હોવાનું કારણ તેની દુર્લભતા અને વિકસિત કરવાની જટિલ પ્રક્રિયા છે. આ ગુલાબ ‘થ્રી મિલિયન ડોલર રોઝ’ના નામે પણ ઓળખાય છે કેમ કે તેને વિકસિત કરવામાં 25 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.