હેંગઝુઃ દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક જેક માએ અગાઉથી કરેલી જાહેરાત અનુસાર મંગળવારે કંપનીના ચેરમેનપદેથી નિવૃત્તિ લીધી છે. જે પ્રકારે તેમણે નિવૃત્તિનો નિર્ણય જાહેર કરીને વેપારજગતને ચોંકાવી દીધું હતું કંઇક તે જ પ્રકારે તેમણે નિવૃત્તિનો શાનદાર જલ્સો યોજીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. મંગળવારે કંપનીનો ૨૦મો સ્થાપના દિવસ હતો. આ દિવસે ૮૦ હજાર લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં ચાર કલાક સુધી ચાલેલા રિટાયરમેન્ટ સેલિબ્રેશનમાં જેક મા રોકસ્ટાર જેવી વિગ ધારણ કરીને હાથમાં ગિટાર સાથે પહોંચ્યા હતા. તેમણે પોપ સોંગ પણ ગાયું હતું. લાગણીભીના જેક માએ કંપનીના કર્મચારીઓ અને મહેમાનોને કહ્યું હતું કે આજ રાત પછી હું નવું જીવન શરૂ કરીશ. મને ભરોસો છે કે વિશ્વ ખુબ સારું છે. જીવનમાં ઘણી બધી તકો રહેલી છે. જીવનમાં મને ઉત્સાહ ખૂબ પસંદ છે તેથી જ જલ્દી નિવૃત્તિ લેવા નિર્ણય લીધો છે.
અલીબાબા શરૂ કરતા પહેલાં જેક મા શિક્ષક હતા અને હવે ફરીથી તેઓ આ વ્યવસાયમાં પરત ફરશે. જેક મા એવા વ્યક્તિ છે જેમના જીવનની વાતો કંઈક કરવા ઈચ્છતા કોઈ પણ માણસના જીવનમાં ઉત્સાહ અને જોશ ભરી શકે છે.
જેક માની સાથોસાથ અલીબાબાના સહસ્થાપક લુસી પેંગ અને ટેકનોલોજી કમિટીના સીઈઓ વાંગ જિઆને પણ રોકસ્ટાર અંદાજમાં પરફોર્મ કર્યું હતું. સહસ્થાપક જો સાઈ તો વળી સ્ટેજ પર અમેરિકી અભિનેત્રી અને ગાયક મેરલિન મૂનરોની અદામાં જોવા મળ્યા હતા.
ડેનિયલ ઝાંગને ગ્રૂપનું સુકાન
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચરમસીમાએ પહોંચી છે એવા સમયે જેક માએ અલીબાબા ગ્રૂપનું ચેરમેન પદ છોડીને સીઈઓ ડેનિયલ ઝાંગને ગ્રૂપની બાગડોર સોંપી છે. ઉલ્લેખનીય છે કે જેક માએ એક વર્ષ પહેલાં જ રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી હતી. આગામી એક વર્ષ સુધી તેઓ કંપનીના પાર્ટનરશીપ મેમ્બર બની રહેશે. ૪૭ વર્ષના ડેનિયલ ઝાંગ અલીબાબા ગ્રૂપના ઓનલાઈન શોપિંગ પોર્ટલ તાઓબાઓના સીઈઓ હતા અને છેલ્લા એક વર્ષથી જેક મા તેમને ટ્રેનિંગ આપતા હતા.
રિટાયરમેન્ટ માટે ટીચર્સ ડેની પસંદગી
રિટાયરમેન્ટ માટે તેમણે જન્મદિવસ અને ટીચર્સ ડેને પસંદ કર્યો હતો. બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ગેટ્સના ફાઉન્ડેશનના પગલે તેઓ પણ સમાજસેવા કરવાના છે. ચેરમેન પદને છોડતાં પહેલાં જેક માએ કહ્યું હતું કે હવે હું શિક્ષણ ક્ષેત્રે પાછો ફરીશ. મને એ બહુ જ પસંદ છે. આ દુનિયા ખૂબ મોટી છે અને હજી પણ હું યુવા છું અને નવી નવી ચીજો કરવા માગું છું. હું સમાજસેવા પર ધ્યાન આપવા માંગું છું.
ઇન્ટરનેટ માટે વૃદ્ધ, પણ અન્ય સેક્ટર માટે યુવાન
જેક માએ વધુમાં જણાવ્યું હતું કે પોતે અલીબાબાના વર્કિંગ ડેસ્ક કરતા બીચ પર મરવાનું વધુ પસંદ કરશે. ૫૪ વર્ષની ઉંમરે હું ઇન્ટરનેટ ઉદ્યોગ માટે વૃદ્ધ છું, પણ અન્ય સેક્ટર માટે યુવાન છું. આગામી ૧૫થી ૧૬ વર્ષ હું બીજી અનેક પ્રવૃત્તિઓ કરી શકું તેમ છું. હું જાણું છું કે ૫૫ કે ૫૬ કે પછી ૬૦ વર્ષે રાજીનામું આપવું લોકો માટે મુશ્કેલ હોય છે.
ચીનમાં ઓફ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અતુલ દાલાકોતીએ જણાવ્યું છે કે જેક માને ભારતના ટેકનોલોજી સેક્ટર અંગે ઉંડી સમજ છે અને તેઓ ભારત પ્રત્યે ખૂબ માન ધરાવે છે. જેક મા પાસે જટિલ વસ્તુઓને સરળતાથી જોવાની ક્ષમતા છે.
જેક માની સાફલ્ય ગાથા
જેક માનો જન્મ ૧૯૬૪માં ૧૦ સપ્ટેમ્બરે હેંગઝુમાં થયો હતો. જેક મા પાસે કમ્પ્યુટરનું નોલેજ પણ નહોતું. બાળપણમાં તેમણે ક્યારેય કમ્પ્યુટરનો ઉપયોગ કર્યો નહોતો. ગણિતમાં તેમને ૧૨૦માંથી માત્ર ૧ માર્ક મળ્યો હતો. ૧૯૮૦માં તેઓ તેમના શહેરની એક સ્કૂલમાં ઈંગ્લિશ ટીચર તરીકે નોકરી કરવા લાગ્યા હતા. ૧૯૮૩માં નોકરી છોડીને ટ્રાન્સલેશન કરતી કંપની ખોલી હતી. આ રીતે નસીબ જેક માને સાથ આપતું ગયું.
‘મિસ્ટર ઈન્ટરનેટ’થી મશહૂર
૧૯૯૪માં તેઓ એક ચાઇનીઝ બિઝનેસમેન સાથે દુભાષિયા તરીકે અમેરિકા ગયા હતા. અમેરિકામાં તેમને ઈન્ટરનેટ જોઈને બહુ નવાઇ લાગી હતી. તેમને એ વાતનું આશ્ચર્ય થતું હતું કે લોકો કેવી રીતે ઘરે બેઠાં બેઠાં તેમના મિત્રો અને પરિવારજનો સાથે દુનિયાભરમાં સંપર્કમાં રહી શકે છે. તેમને પણ ઈન્ટરનેટનું ઘેલું લાગ્યું. ચીનમાં ઇન્ટરનેટના પ્રચાર-પ્રસાર માટેની તેમની ઘેલછા જોઇને મિત્રોમાં તેઓ ‘મિસ્ટર ઈન્ટરનેટ’ના નામે જાણીતા થઇ ગયા.
૩૦ વાર ઈન્ટરવ્યુમાં નાપાસ
ત્રણ વાર નાપાસ થયા બાદ ગ્રેજ્યુએટ બનેલા જેક માએ નોકરી કરવા ઘણા પ્રયાસ કર્યા હતા, પણ ક્યાંય મેળ પડતો નહોતો. ચીનમાં પોતાના શહેરમાં અમેરિકન રેસ્ટોરાં ચેઈન કેએફસીએ તેની બ્રાંચ ખોલી તો જેક માએ તેમાં પણ અરજી કરી હતી. જોકે એક માત્ર ઉમેદવાર હોવા છતાં જેક માને રિજેક્ટ કરાયા હતા. જેક માના કહેવા પ્રમાણે આશરે ૩૦ કંપનીઓએ તેમને ઈન્ટરવ્યુમાં રિજેક્ટ કર્યા હતા.
૧૯૯૯માં અલીબાબાની સ્થાપના કરી
જેક માએ ૧૯૯૯માં ૨૧ ફેબ્રુઆરીએ ૧૭ મિત્રો સાથે મળીને પોતાના એપાર્ટમેન્ટમાં અલીબાબાની સ્થાપના કરી હતી. શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ પડી. જેક માએ ઈ-કોમર્સ કંપની અલીબાબાના માધ્યમથી એવી વ્યવસ્થા ઉભી કરી કે જેથી ચીનના નિકાસકારો સીધા અમેરિકાના રિટેઈલ કસ્ટમરોને માલ વેચી શકે. તેમની આ કંપનીએ જ્વલંત સફળતા મેળવી.
૬ મિનિટમાં ૨ કરોડ ડોલરની લોન
જાપાની સોફ્ટબેન્ક ચીનના આઈટી સેક્ટરમાં રોકાણ કરે છે. અલીબાબામાં શરૂઆતના અરસામાં રોકાણ કરનારા વૂ યીંગે લખ્યું છે કે એક જૂનું જાકિટ પહેરીને અને હાથમાં માત્ર એક કાગળ લઈને આવેલા એક વ્યક્તિએ માત્ર છ મિનિટમાં અમારા રોકાણકારોને એટલો ભરોસો અપાવ્યો કે તેમણે ૨ કરોડ ડોલરનું રોકાણ કરવાની મંજૂરી આપી દીધી.