નવી દિલ્હી: ગોલ્ડમેન સાક્સના પૂર્વ ડાયરેક્ટર ભારતીય રજત ગુપ્તાને ઇનસાઇડર ટ્રેડિંગના આરોપસર ૨૦૧૨માં બે વર્ષ જેલની સજા થઈ હતી. તેઓ ૧૯ મહિના જેલમાં બંધ હતા. જેલવાસના પ્રથમ આઠ સપ્તાહમાં તેઓ એકલા રહ્યા હતા. જેલના શરૂઆતના દિવસોમાં તેઓએ અનેક વખત ભગવદ ગીતા વાંચી હતી. આ આખું પ્રકરણ વધુ સ્પષ્ટ કરવા તેમણે ‘માઇન્ડ વિથાઉટ ફિયર’ નામનું એક પુસ્તક લખ્યું છે. જેમાં પોતાની આત્મકથા વ્યક્ત કરી છે. રજત ગુપ્તા પર આરોપ હતો કે, તેમણે એક હેજ ફંડના મેનેજર અને ગેલિયન ગ્રુપના ફાઉન્ડર રાજ રાજારત્નમને ગોલ્ડમેન સાક્સ વિશે ગુપ્ત માહિતી આપી હતી.
કોર્ટમાં આરોપ પુરવાર થતાં તેઓ દોષિત ઠેરવાયા હતા. જેમાં બે વર્ષની સજા ફટકારાઈ હતી. જ્યારે રાજારત્નમને ૧૧ વર્ષની સજા થઈ હતી. જોકે, ગુપ્તા પોતાની વાત પર અડગ રહ્યા હતા કે, તેઓએ કંઈ ખોર્ટું કર્યું નથી. ગુપ્તાએ જણાવ્યું કે, મને જ્યારે જેલમાં શરૂઆતના આઠ સપ્તાહ દરમિયાન એકાંતવાસમાં મૂક્યો હતો ત્યારે હું ભગવદ્ ગીતા વાંચતો હતો. ગીતામાં આપવામાં આવેલા જીવન મૂલ્યોને સમજ્યો. જે મને નવી ઊર્જા આપતા હતા. તેના આધારે મેં જેલના કઠિન દિવસો પસાર કર્યાં હતાં. જે વાંચી લોકોને માફ કરવાની ભાવના જાગી. ગુપ્તા ૨૦૧૬માં જેલમાંથી મુક્ત થયા હતા. ભારત, ભારતીયો અને ભારતની અર્થવ્યવસ્થા વિશે પણ જ્ઞાન મળ્યું. આઇઆઇટીમાંથી એન્જિનિયરિંગ કરનાર ગુપ્તા જણાવે છે કે, ટેલેન્ટ ભારતની સૌથી મોટી નિકાસ છે. તેમને અફસોસ છે કે તેઓ ગુગલ અને ફેસબુક જેવા ગ્લોબલ બ્રાન્ડ બની શક્યા નહીં.