ઈસ્લામાબાદः પુલવામા હુમલામાં પાકિસ્તાન-સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સંડોવણી હોવાના પુરાવા ભારતે પાકિસ્તાનન સોંપ્યા છે. આ ઉપરાંત આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવા ભારત સહિતના દેશો દબાણ કરી રહ્યા છે ત્યારે ભીંસમાં મૂકાયેલા પાકિસ્તાને હાલ તુર્ત તો આવા સંગઠનો સામે કાર્યવાહી શરૂ કર્યાનું જણાય છે. અહેવાલો છે કે પાકિસ્તાને હાલ જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો પર નજર રાખવાનું શરૂ કર્યું છે અને હવે તેને હાઇ રિસ્ક એટલે કે અતિ જોખમી કેટેગરીમાં મૂકી દીધું છે. અગાઉ જમાત-ઉદ્-દાવા અને અન્ય સંગઠનો પર પ્રતિબંધ મૂકાયો હતો.
પાક. વડા પ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો છે કે પાકિસ્તાનની સરકાર આતંકીઓને છુટ્ટો દોર નહીં આપે અને દેશના વિકાસ માટે આવા સંગઠનો પર પ્રતિબંધ જરૂરી પણ છે. પાકે. અગાઉ આ સંગઠનોને લો અને મીડિયમ રિસ્કની કેટેગરીમાં મુક્યા હતા. જોકે હવે આ કેટેગરીને અપગ્રેડ કરાઇ છે. પાકિસ્તાનના મીડિયામાં પ્રકાશિત અહેવાલોમાં આ દાવો કરાયો છે. તેમાં જણાવાયું છે કે પાક. સરકારની કામગીરી પર પેરિસ સહિતના દેશોની શાંતિપ્રિય સંસ્થાઓની નજર હતી. આતંકી સંગઠનોને મીડિયમ અને લો રિસ્ક કેટેગરીમાં મૂકવાના પાક.ના વલણ સામે તેને નારાજગી હતી. આથી પાકિસ્તાને કેટેગરીને અપગ્રેડ કરીને આકરાં પગલા લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.