જૈશનો વડો મસૂદ અઝહર હવે ‘આંતરરાષ્ટ્રીય આતંકવાદી’

Thursday 02nd May 2019 05:05 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતની એક દાયકાની મહેનત લેખે લાગી છે. યુનાઇટેડ નેશન્સે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસી)ની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, અને ચીને તેનું સમર્થન કર્યું હતું. યુએન ખાતેના ભારતીય રાજદૂત સૈયદ અકબરુદ્દીને જણાવ્યું હતું કે, તમામ દેશોએ સાથે મળીને આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાવવા માટે ભારત છેલ્લા દસ વર્ષથી પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ દર વખતે ચીન તેમાં અવરોધ ઉભા કરતું હતું. આ નિર્ણય લેવાનો અધિકાર ધરાવતી યુએનએસસીનું કાયમી સભ્યપદ ધરાવતું ચીન દરેક વખતે વિશેષાધિકારનો ઉપયોગ કરીને ભારતના પ્રસ્તાવને ફગાવી દેવાનું વલણ અપનાવતું હતું, અને વાત અટકી જતી હતી. આમ આ જાહેરાત ભારત માટે વૈશ્વિક સ્તરે સીમાચિહનરૂપ રાજદ્વારી વિજય છે.
જોકે આ વખતે ચીને યુએનના નિર્ણયની જાહેરાત પૂર્વે જ પોતાના નરમ વલણના સંકેત આપતા જણાવ્યું હતું કે, તે મસૂદ મુદ્દે હકારાત્મક વલણ દાખવશે. આ વખતે પોતે આ પ્રક્રિયામાં નડતરરૂપ નહીં બને તેવા સંકેત આપ્યા હતા. મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાની માગ સાથે ભારત છેલ્લા ત્રણ વર્ષમાં જ - માર્ચ ૨૦૧૬થી અત્યાર સુધીમાં - ચાર વખત પ્રયાસ કર્યા હતા, પરતું આ જ ચીને ટેક્નિકલ કારણો આગળ ધરીને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા. ચીન દર વખતે વિટો વાપરીને ભારતની દરખાસ્ત રદ કરાવતું હતું, અને પાકિસ્તાનને થાબડભાણા કરતું હતું.

હવે પાકિસ્તાન ભીંસમાં

બીજી તરફ, પાકિસ્તાન પણ મસૂદને છાવરતું હતું. બાલાકોટમાં ભારતે એરસ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાન મસૂદ અઝહરને સતત બચાવતું રહ્યું છે. પહેલાં મસૂદને બહાવલપુરમાં નજરકેદ રાખ્યો હતો. આ પછી આંતરરાષ્ટ્રીય દબાણ વધવાની વકીએ તેને ઈસ્લામાબાદમાં જ કોઈ સુરક્ષિત જગ્યાએ સંતાડી દીધો છે. જોકે હવે યુએનના આ નિર્ણય બાદ જૈશના સરગણા મસૂદની સાથે સાથે આતંકવાદીઓના આકા પાકિસ્તાનને પણ ઘણા માઠા પરિણામ ભોગવવા પડશે. હવે પાકિસ્તાને ફરજિયાતપણે મસૂદ ઉપર તો તમામ પ્રકારના પ્રતિબંધો મૂકવા જ પડશે. સાથોસાથ પાકિસ્તાનમાં ધમધમતા મસૂદના આતંકવાદી સંગઠનો, કેમ્પો અને મદરેસાઓ પણ બંધ કરાવવા પડશે અને તમામ જગ્યાઓ સીલ કરવી પડશે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આ જાહેરાતથી પાકિસ્તાનની રહીસહી આબરૂને પણ બટ્ટો લાગ્યો છે કેમ કે આખી દુનિયા જાણે છે કે મસૂદ પાકિસ્તાનમાં જ છે. દુનિયાના બાકી દેશો હવે પાકિસ્તાનને આર્થિક સુવિધા આપવા અંગે વિચારશે.

પાક.ને સંકેત મળી ગયા હતા

મહત્ત્વની વાત એ છે કે, ચીને બુધવારે યુનાઇટેડ નેશન્સમાં પોતાનો જે નિર્ણય જાહેર કર્યો તેના સંકેત તેણે પહેલાં જ પાકિસ્તાનને આપી દીધા હતા. આ જાહેરાત સમયે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન ચીનના પ્રવાસે હતા. આ દરમિયાન તેમની મુલાકાત ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે પણ થઈ હતી. આ મુલાકાત દરમિયાન ચીને મસૂદ અઝહર અંગેના તેમના વલણની જાણકારી ઈમરાનને આપી દીધી હતી. પુલવામા હુમલા બાદ ચીન ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ વધી ગયું હતું અને તેથી જ તેણે પોતાની આડોડાઈ છોડવી પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter