ડબ્લિન, બેલફાસ્ટઃ યુએસ પ્રમુખ જો બાઈડેને એક સમયે પોતાના પૂર્વજો રહેતા હતા તે કાઉન્ટી મેયોના બાલિના ટાઉનમાં ચૂંટણીપ્રચાર સ્ટાઈલનું પ્રવચન આપી ઘરઆંગણાની આઈરિશ વોટબેન્કને પોતાના તરફ વાળવાનો જોરદાર પ્રયાસ કરવા સાથે તેઓ 2024માં પ્રમુખપદની બીજી ટર્મ માટે ઉમેદવારી કરશે તેનો સ્પષ્ટ સંકેત પણ આપી દીધો છે. અંદાજે 27000 લોકોની ભીડ સામે બાઈડેને પોતાના પરિવારનો ઈતિહાસ કહેવા સાથે 2020ના ચૂંટણીપ્રચારના સ્લોગન્સ કહ્યા હતા અને ભવિષ્ય માટે આશા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ તેમનામાંથી જ એક છે. અમેરિકામાં મૂળ આઈરિશ મતદારો અને પરિવારોનું પ્રમાણ ઘણું છે ત્યારે બાઈડેન તેનો લાભ મેળવવા ઈચ્છે છે.
અમેરિકાના પ્રમુખ જો બાઈડેને ગુડ ફ્રાઈડે પીસ એગ્રીમેન્ટની 25મી વર્ષગાંઠે આયર્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડની ચાર દિવસની મુલાકાત લીધી ત્યારે તેમનું મુખ્ય ધ્યાન તેમના પરિવારના મૂળિયા જોડાયેલા હતા તે નાના ગામ અને નગરોની મુલાકાતો લેવા પર પણ હતુ. તેમણે સરહદની બંને તરફ આઈરિશ પ્રેસિડેન્ટ અને પ્રાઈમ મિનિસ્ટર સાથે સત્તાવાર મંત્રણાઓ પણ કરી હતી. પ્રેસિડેન્ટ બાઈડેન લાંબા સમયથી પોતાને કેથોલિક આઈરિશ અમેરિકન તરીકે ઓળખાવી રહ્યા છે અને તેઓ 2024માં વ્હાઈટ હાઉસમાં બીજી મુદત જીતવાની સ્પર્ધામાં આગળ વધી રહ્યા છે ત્યારે તેમના સહયોગીઓ આયર્લેન્ડના પ્રવાસને અમેરિકાના મતદારોને ચોક્કસ સંદેશો મોકલવાની તક તરીકે નિહાળી રહ્યા છે.
ઘરઆંગણાના મતદારો માટે સંદેશો મોકલવા વિદેશપ્રવાસનો ઉપયોગ કરનારા બાઈડેન પ્રથમ પ્રમુખ નથી. ડેમોક્રેટિક સ્ટ્રેટેજિસ્ટો કહે છે કે આયર્લેન્ડનો પ્રવાસ બાઈડેનને તેમના વર્કિંગ ક્લાસ ઉછેરની લોકોને યાદ અપાવવાની તક બની રહ્યો છે. એક સમયે ડેમોક્રેટિક પાર્ટીનો કિલ્લો બની રહેલા અને છેલ્લા થોડા વર્ષોમાં રિપબ્લિકન્સ તરફ વળેલા બ્લુ-કોલર શ્વેત મતદારોને પોતાની તરફ વાળવાનો પ્રયાસ પણ છે.
બાઈડેને તેઓ ફરી ચૂંટણી લડશે તેવી સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ, તાજેતરના સપ્તાહોમાં તેમણે આ સંદર્ભે કેટલાક સંકેતો અવશ્ય આપ્યા છે. ઓપિનિયન પોલ્સ કહે છે કે તેમની અને પૂર્વ પ્રમુખ ટ્રમ્પ વચ્ચે ફરી એક વાર કાંટે કી ટક્કર થશે. ટ્રમ્પ ક્રિમિનલ ચાર્જીસનો સામનો કરી રહ્યા હોવા છતાં રિપબ્લિકન પાર્ટીના નોમિનેશન માટે ફ્રન્ટરનર છે. બાઈડેનની નિકટના લોકો કહે છે કે પ્રમુખના એપ્રુવલ રેટિંગ પ્રમાણમાં નીચાં હોવાં છતાં, 80 વર્ષીય બાઈડેન મક્કમપણે માને છે કે બેલેટ બોક્સમાં ટ્રમ્પનો સામનો કરવા માટે તેમના સિવાય વધુ સારો ડેમોક્રેટ કોઈ નથી.