નવી દિલ્હીઃ ભારત અને ચીનના વિદેશ પ્રધાનોએ લાંબા સમયે એકબીજા સાથે વાતચીત કરી હતી. એ દરમિયાન ભારતના વિદેશ પ્રધાન જયશંકરે ચીની વિદેશ પ્રધાન વાંગ યીને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે સબંધો સાચવવા હોય તો ચીન સરહદે શાંતિ જાળવે. એ જાણીતી વાત છે કે ભારત-ચીન વચ્ચેનો અત્યારનો સંઘર્ષ પણ મે ૨૦૨૦માં ચીને કરેલા ઊંબાડિયા પછી શરૂ થયો હતો.
ભારત-ચીન સરહદના કેટલાય પ્રશ્નો દાયકાઓથી અણઉકેલ છે અને રાતોરાત તેનો ઉકેલ આવે એમ નથી. આથી જયશંકરે ચીની વિદેશ પ્રધાનને કહ્યું હતું કે એ પ્રશ્નો બાજુ પર રાખીને જ્યાં જ્યાં અત્યારે સંઘર્ષ થઈ રહ્યો છે એ સરહદી પોઈન્ટ પર શાંતિ જળવાય એ જરૂરી છે.
ટેલિફોન પર બન્ને દેશના નેતાઓએ ૭૫ મિનિટ વાતચીત કરી હતી અને એ દરમિયાન હોટલાઈન સ્થાપવાની પણ સહમતી સધાઈ હતી.
દસેક મહિના સુધી સામસામે રહ્યા પછી બન્ને દેશોએ લદ્દાખમાં પેંગોંગના કાંઠેથી પોતાની સેના-સરંજામ પાછા ખેંચી લીધા છે. પરંતુ સાડા ત્રણ હજાર કિલોમીટર લાંબી ભારત-ચીન સરહદ પર ઘણા એવા સ્થળો છે, જ્યાં બન્ને દેશો એકબીજાની ભૂમિ પર દાવો કરે છે. જયશંકરે વાંગ લીને કહ્યુ હતુ કે આવા સ્થળોના પ્રશ્નો વાટાઘાટોથી ઉકેલવા જોઈએ. કેમ કે ચીનના અત્યારના વર્તનની અસર બન્ને દેશના સબંધો પર પડી જ છે.