નવી દિલ્હીઃ મૂડીરોકાણના શસ્ત્ર થકી દુનિયાના અનેક દેશોમાં વિસ્તારવાદનો રાક્ષસી પંજો પ્રસારનાર ચીનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. લદ્દાખ સરહદે સશસ્ત્ર સંઘર્ષ બાદ ભારતે ચીન સામે આર્થિક યુદ્ધ છેડીને તેની ઊંઘ હરામ કરી નાંખી છે. ભારતે ટિકટોક, યુસી બ્રાઉઝર સહિત ૫૯ મોબાઇલ એપ પર પ્રતિબંધ લાદતી ડિજિટલ સ્ટ્રાઇક કર્યા બાદ હવે અન્ય સરકારી વિભાગો પણ ચીનની કંપનીઓના બહિષ્કારમાં જોડાયા છે. ટેલિકોમ, માર્ગનિર્માણ સહિત અનેક સરકારી વિભાગે ચાઇનીઝ કંપનીના કરોડો રૂપિયાના ટેન્ડર - કોન્ટ્રેક્ટ રદ કરીને તેમને પાઠ ભણાવ્યો છે. તો ભારતીય વેપારી સંગઠનોએ ચીની માલસામાનના બહિષ્કારનું એલાન કર્યું છે.
ભારતે ડિજિટલ સ્ટ્રાઇક કર્યાના બીજા જ દિવસે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવું પડ્યું કે અમારે દેશ આ નિર્ણયથી ભારે ચિંતિત છે. અમે સ્થિતિની પુષ્ટી કરી રહ્યા છે. ચીન સરકાર હંમેશા દેશના ઉદ્યોગપતિઓને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કાયદા-અધિનિયમોનું પાલન કરવા કહે છે. ચાઇનીઝ સહિત આંતરરાષ્ટ્રીય રોકાણકારોના કાનૂની અધિકારોનું રક્ષણ કરવું ભારત સરકારની જવાબદારી છે.
ટિકટોકની વિસ્તરણ યોજનાને ફટકો
ભારતના નિર્ણયથી ટિકટોક અને હેલોની માલિકી ધરાવતી બાઇટડાન્સ કંપનીને મોટો આર્થિક ફટકો પડ્યો છે. કંપની ભારતમાં ૧ અબજ ડોલર (૭૬૦૦ કરોડ રૂપિયા)ની વિસ્તરણ યોજના પર કામ કરી રહી હતી. છેલ્લા એક વર્ષમાં સિનિયર પોસ્ટ્સ પર ઘણી ભરતીઓ પણ કરી હતી. ભારત ટિકટોકનું સૌથી મોટું મોર્કેટ હતું. દુનિયાભરમાં તેના ૨૦૦ કરોડ ડાઉનલોડમાંથી ૩૦ ટકા ગ્રાહક ભારતમાં હતા. આ યોજના હવે ખોરવાઇ ગઇ છે. સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતું કે, ભારતના આ પગલાંથી ચીનની એપ કંપનીઓને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે. માત્ર ટિકટોક બંધ થઈ જવાના કારણે તેની પેરેન્ટ કંપની ડાન્સબાઈટને જ ૬ અબજ ડોલરનું નુકસાન થવાની શક્યતા છે. ભારત દ્વારા તો આ સિવાય બીજી ૫૮ એપ બંધ કરવામાં આવી છે. તેને પગલે આ કંપનીઓ અને ચીની અર્થતંત્રને નુકસાનનો આંકડો ક્યાં પહોંચશે તેનો અંદાજ લગાવવો પણ ભયની કંપારી પસાર કરાવી દે તેવો છે.
ચીનની કંપનીઓની બાદબાકી
ભારત સરકારે ૫૯ ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ ટેલિકોમ વિભાગે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)નું ફોર-જી અપગ્રેડેશન ટેન્ડર રદ કરી નાખ્યું છે. ફોર-જી નેટવર્ક અપગ્રેડેશન પ્રક્રિયાના નવા નિયમો જારી કરવાનો ટેલિકોમ વિભાગે નિર્ણય લીધા પછી ટેન્ડર પ્રક્રિયા રદ કરી દેવાઇ છે. ટેલિકોમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અપગ્રેડેશનની જરૂરિયાતો અંગે રચાયેલી ૬ સભ્યોની સમિતિ રિપોર્ટ રજૂ કરે ત્યારબાદ નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે. નવી ટેન્ડર પ્રક્રિયામાં ઇક્વિપમેન્ટ પૂરી પાડતી ચીની કંપનીઓને બાકાત રખાશે. ભારત સરકારે બીએસએનએલને સૂચના આપી છે કે, ફોર-જી નેટવર્કના અપગ્રેડેશન માટે ચીની ઇક્વિપમેન્ટનો ઉપયોગ ન કરાય. ફોર-જી નેટવર્કના અપગ્રેડેશન માટે રૂપિયા ૭૦૦૦થી ૮૦૦૦ કરોડનો ખર્ચ અંદાજ છે.
હાઇવે પ્રોજેક્ટ્સમાં નો-એન્ટ્રી
ભારત સરકારે ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ બાદ હાઈવે પ્રોજેક્ટ્સમાં ચીની કંપનીઓની એન્ટ્રી અટકાવવા નિર્ણય કર્યો છે. માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ એવી જાહેરાત કરી કે ભારતના હાઈવે પ્રોજેક્ટ્સમાં ચીની કંપનીઓની એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતના એક પણ હાઈવે પ્રોજેક્ટમાં ચીની કંપનીને એન્ટ્રી નહીં મળે, એટલું જ નહીં પરંતુ જોઈન્ટ વેન્ચર્સમાં પણ ચીની કંપનીઓને બાકાત રાખવામાં આવશે. MSME સેક્ટરમાં ચીની રોકાણકારોને ધ્યાનમાં ન લેવાનું પણ સરકારે સુનિશ્ચિત કર્યું છે. ગડકરીએ કહ્યું કે ટૂંક સમયમાં એક પોલિસી લાવવામાં આવશે જેને આધારે ચાઈનીઝ કંપનીઓની એન્ટ્રી બંધ થશે અને ભારતીય કંપનીઓ માટેના નિયમો સરળ બનાવાશે.
પાવર ગિયરની આયાત અટકાવી
ભારત સરકારના ઊર્જા મંત્રાલયે સિક્યુરિટી અને સાયબર ધમકીનો ખતરો દર્શાવીને પાવર સપ્લાય સિસ્ટમ અને નેટવર્ક્સમાં વપરાતા સાધનોની આયાત પર પ્રતિબંધ લાદી દીધો છે. ઊર્જા પ્રધાન આર. કે. સિંહે જણાવ્યું હતું કે, ચીન સાથે ચાલી રહેલા સરહદી તણાવને નજરમાં રાખીને ભારત ચીનથી કોઈ પાવર ઇક્વિમેન્ટની આયાત નહીં કરે. ચીન અને પાકિસ્તાનથી આયાત થતા ઇક્વિપમેન્ટને ઇન્સ્પેક્શનના આધારે પણ પરવાનગી અપાશે નહીં. વીજ વિતરણ કંપનીઓ ચીની કંપનીઓને ઇક્વિપમેન્ટ માટે ઓર્ડર આપે નહીં. ભારતમાં બધા ઇક્વિપમેન્ટનું ઉત્પાદન થાય છે. તેમ છતાં ભારત રૂપિયા ૭૧,૦૦૦ કરોડના પાવર ઇક્વિપમેન્ટની આયાત કરે છે જેમાંથી રૂપિયા ૨૧,૦૦૦ કરોડના ઇક્વિપમેન્ટ ચીનથી આયાત કરાય છે.
કાનપુર-આગરા મેટ્રો ટેન્ડર રદ
ચીને આર્થિક મોરચા પર ઘેરતાં લેવાઈ રહેલાં નિર્ણયોમાં રાજ્ય સરકારો પણ જોડાઇ છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે કાનપુર-આગરા મેટ્રો માટે ચીની કંપનીના ટેન્ડરને રદ કરી નાખ્યું છે. યુપીએમઆરસીએ આ મેટ્રો પરિયોજના માટેનું કામકાજ બોર્મ્બાડિયર ટ્રાન્સપોર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને આપ્યું છે. આ પ્રોજેક્ટમાં ચીનની નેનજિંગ પૂજહેન લિમિટેડને અયોગ્ય જાહેર કરી દેવાઈ છે.
આ ઉપરાંત પણ ભારતે ચીની કંપનીઓને અપાયેલા કોન્ટ્રેક્ટ રદ કર્યા છે. જેમાં રેલવેએ ચાઈનીઝ કંપનીનો રૂ. ૪૭૧ કરોડનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. તો બિહારમાં મેગા ગંગા પ્રોજેક્ટમાં સામેલ ચીન કંપનીઓનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વેપારીઓ દ્વારા ચીની માલના બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે. માત્ર આ બહિષ્કારથી જ ચીનને ૨૦૨૧ સુધીમાં રૂ. ૧ લાખ કરોડના નુકસાનની શક્યતા છે.