જોહાનિસબર્ગઃ વિશ્વના સૌથી ધનવાન લોકો યુરોપ, યુએસએ કે ચીનમાં જ જોવા મળતા હોય તેવો સમય હવે રહ્યો નથી. આફ્રિકાનો વિકાસ એટલી ઝડપે થઈ રહ્યો છે કે ત્યાંના ઘણા શહેરોમાં મિલિયોનેર્સની સંખ્યા વધતી જાય છે. ઈન્વેસ્ટમેન્ટ માઈગ્રેશન કન્સલ્ટન્સી હેન્લે એન્ડ પાર્ટનર્સ દ્વારા તાજેતરમાં આફ્રિકન ધનવાનોનું વિશ્લેષણ આફ્રિકા વેલ્થ રિપોર્ટ જાહેર કરવામાં આવેલ છે.
આફ્રિકા વેલ્થ રિપોર્ટ અને ન્યૂ વર્લ્ડ વેલ્થ રિપોર્ટ અનુસાર ગોલ્ડ અને ડાયમન્ડની ખાણોનું કેન્દ્ર હોવાથી સિટી ઓફ ગોલ્ડ તરીકે ઓળખાતાં સૌથી ધનવાન શહેર જોહાનિસબર્ગમાં 14600 મિલિયોનેર વસે છે જે લાગોસ (5400 મિલિયોનેર) અને કેરો (7400 મિલિયોનેર)ની સંયુક્ત સંખ્યા કરતાં પણ વધુ છે. આફ્રિકાના સૌથી ધનવાન શહેર જોહાનિસબર્ગની સંયુક્ત સંપત્તિ આશરે 187 બિલિયન પાઉન્ડ (235 બિલિયન ડોલર) છે.
રસપ્રદ બાબત એ છે કે આફ્રિકામાં સૌથી ધનવાન સ્ક્વેર માઈલ વિસ્તાર જોહાનિસબર્ગના ઉપનગર સેન્ડટોનનો છે. સેન્ડટોનમાં આફ્રિકાના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ હોવાં ઉપરાંત, મોટા ભાગની મોટી આફ્રિકન બેન્ક્સ અને કોર્પોરેશન્સના વડા મથકો પણ આવેલાં છે. મહત્ત્વનું બિઝનેસ હબ જોહાનિસબર્ગ સાઉથ આફ્રિકાના જીડીપીનો આશરે 40 ટકા હિસ્સો પૂરો પાડે છે. બેન્ક્સ, ફાઈનાન્સિયલ સર્વિસીસ તથા લો ફર્મ્સ અને કન્સલ્ટન્સીસ સહિત પ્રોફેશનલ સર્વિસીસ દ્વારા જોહાનિસબર્ગમાં નાણાપ્રવાહ ખેંચાઈ આવે છે.