મોસ્કોઃ રશિયન પ્રમુખ પુતિને ૧૩મીએ કથિત રીતે તેના નેતાઓ અને અધિકારીઓને આદેશ કર્યો છે કે તેઓ અને તેમનાં પરિવારજનો પરદેશમાં જ્યાં પણ હોય ત્યાંથી રશિયા પરત આવી જાય. સરકારે સત્તાવાર રીતે આ આદેશની જાહેરાત કરી નથી, પરંતુ રશિયન મીડિયાએ આવો દાવો કર્યો છે. હજુ ગયા અઠવાડિયે જ રશિયાએ પોલેન્ડની સરહદે પરમાણુ પ્રહાર કરવા સક્ષમ મિસાઈલો ગોઠવીને આક્રમક વલણ દાખવ્યું હતું.
મીડિયાએ આ અંગે ટાંકેલા અહેવાલો અનુસાર પુતિને આદેશ આપ્યો છે કે, રશિયાના ઉચ્ચ અધિકારીઓના સગા-સંબંધીઓ તથા રશિયાના રાજકારણીઓના પરિવારજનો જો કોઈ અન્ય દેશોમાં રહેતા હોય, ભણતા હોય કે નોકરી કરતાં હોય તો એ નક્કી કરેલા સમયમાં માતૃભૂમિમાં પરત ફરે. આ આદેશ નહીં માનનારા અધિકારીઓનું પ્રમોશન પણ અટકે એમ છે. નોંધનીય છે કે પુતિને તાજેતરમાં જ પોતાની ફ્રાન્સ યાત્રા પણ રદ કરી હતી. ફ્રાન્સની ટીકાથી નારાજ પુતિને ફ્રાન્સના પ્રમુખ સાથેની મુલાકાત જ કેન્સલ કરીને વધુ એક વખત પોતે આકરા પાણીએ હોવાનો અહેસાસ કરાવી દીધો હતો.