ઝિમ્બાબ્વેમાં 8 વર્ષનો ટેણિયો સિંહો ભરેલાં જંગલમાં પાંચ દિવસ સુધી ભટક્યો

Wednesday 08th January 2025 05:37 EST
 
 

હરારે: એક માની ના શકાય તેવી અદ્ભુત ઘટના ઝિમ્બાબ્વેમાં બની છે. માત્ર 8 વર્ષનો જ બાળક રમતા રમતા અચાનક લાયન સેન્ચ્યુરી વિસ્તારમાં ચાલ્યો ગયો. રસ્તો શોધવા જેમ જેમ આગળ જતો ગયો તેમ તે વધુને વધુ ઊંડા જંગલમાં ઉતરતો ગયો. હવે બહાર નીકળવાનો કોઇ માર્ગ જ ન હતો. બાળક લાપત્તા થયું હોવાની ખબર પડતાં જ માતા-પિતા, ગામલોકો અને રેન્જર્સ તેને શોધવા નીકળ્યાં પરંતુ આખો દિવસ તપાસ કરી, બીજા દિવસે પણ તપાસ કરી, પણ પતો ના લાગ્યો. એકધારી ત્રણ-ત્રણ દિવસ સુધી તપાસ કરવા છતાં પણ પત્તો ન લાગ્યો ત્યારે માતા-પિતા હતાશ થઇ ગયા હતા. પરંતુ હવે આ બાળક હેમખેમ સુખરૂપ મળી આવ્યો છે.
જંગલમાં આ આઠ વર્ષનો બાળક ટીનોટેન્ડા પુન્ડુ 27 ડિસેમ્બરે ખોવાઈ ગયો હતો, તે તેના ગામ પાસેનાં અભ્યારણ્યમાં પહોંચી ગયો. આ અભ્યારણ્યમાં 40 સિંહોનો વસવાટ છે. બીજા કેટલાયે વરૂ, દીપડાં, હાથી જેવાં હિંસક જનાવરો છે. દીપડા પણ હોય છે. જંગલમાં ઝેરી સાપો અને વીંછીઓ હોય તે પણ સહજ છે. અહીં પૂરતી તૈયારીઓ સિવાય જુવાન માણસ પણ જીવંત રહી શકે નહીં, અને તે પણ 5-10ની સંખ્યામાં જાય અને સાથે શસ્ત્રો
હોય તો જ. આવા ખતરનાક જંગલમાં તે એકલોઅટુલો ભટકતો રહ્યો. ભૂખ લાગે તો ત્સ્વાનજ્વાના ફળો ખાઈ લેતો, આ ફળો પૌષ્ટિક છે. પાણી માટે તે નદી પાસે ખાડો ખોદી લેતો ને રાત્રે ઝાડ નીચે સૂઈ જતો. પાંચ દિવસ પછી પોતાના ગામથી 50 કિમી દૂર રેન્જર્સને મળી આવ્યો ત્યારે તેણે પોતે કઇ રીતે જીવતો રહ્યો તેની વાત કરી તે જાણીને સહુ કોઇ દંગ થઇ ગયા છે. તેણે કહ્યું કે તે ખરેખર તો નદીની પાસે લાંબા લાકડા (ડાળી)થી ખાડો ખોદીને તેમાંથી પાણી પીતો હતો. નદીમાંથી સીધુ પાણી પીતો ન હતો કારણ કે નદીમાં મગરમચ્છો હોવાની ભીતિ હોય છે. તે જે રીતે જીવંત રહ્યો તે જ આશ્ચર્ય છે, ન તો જંગલી જનાવરોએ ફાડી ખાધો, ન તો ઝેરી સાપ કે બિચ્છુ કરડયા, અદ્ભુત કથની છે આ બાળકની.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter