હરારેઃ ઝિમ્બાબ્વે અને મોઝામ્બિકમાં તાજેતરમાં ઇદાઈ વાવાઝોડાએ સેંકડો લોકોનો જીવ લીધો અને હજારો બેઘર થઈ ગયા. વિશ્વભરના દેશો અને બિનસરકારી સંગઠનોએ પીડિતોને મદદ પહોંચાડી. દરમિયાન ઝિમ્બાબ્વેમાં ૭૧ વર્ષની એક વૃદ્ધ મહિલા પ્લેડેસ ડિલન પોતાના માથા પર થેલો મૂકી આશરે ૧૦ કિમી ચાલીને હરારેના પ્રેસબાઇટેરિયન ચર્ચ પીડિતોની મદદ કરવા પહોંચી હતી. તેમના થેલામાં વસ્ત્રો અને ખાણી-પાણીનો સામાન હતો. ૧૦ કિમી પગપાળા એટલે ચાલી કે તેની પાસે ગાડી કે પૈસા ન હતા, પરંતુ માનવતા હતી. તેની હિંમત જોઈ ઝિમ્બાબ્વેના અબજપતિ સ્ટ્રાઇવ મસીયિવાએ કહ્યું કે, ડિલન દેશમાં જ્યાં ઇચ્છશે ત્યાં તેમના માટે ઘર બનાવડાવી દેશું.
લોકો પ્રત્યે દયા દેખાડવાના જેટલા પણ કિસ્સા મેં જોયા છે તેમાં આ સૌથી અલગ છે. સ્ટ્રાઇવ એક ટેલિકોમ કંપનીના એક્ઝિક્યુટિવ છે. તેમણે ડિલનને આખી જિંદગી એક હજાર ડોલર (આશરે ૭૦ હજાર રૂપિયા) માસિક આપવાની વાત પણ સોશિયલ મીડિયા પર કરી છે.
રેડિયો પર અપીલ સાંભળી
ડિલને જણાવ્યું કે, મેં રેડિયો પર વાવાઝોડા પીડિતોને મદદ કરવાની અપીલ સાંભળી હતી. મેં થોડા દિવસ પહેલાં જ સામાન ખરીદ્યો હતો. તેને થેલામાં ભરીને બીજા દિવસે જ તેને પહોંચાડવા નીકળી પડી હતી.