ટયૂનિશિયા, કુવૈત-ફ્રાન્સમાં ઇસ્લામિક સ્ટેટનો નરસંહાર, ૧૮ બ્રિટિશના મોત

Tuesday 30th June 2015 14:11 EDT
 
 

કુવૈત, સૂજે, પેરિસઃ ઇરાક અને સીરિયામાં આતંક મચાવનાર ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસે ૨૬ જૂને ત્રણ કલાકમાં વિશ્વના ત્રણ દેશોમાં કરેલા હુમલામાં ૬૭ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના બ્રિટિશ હતાં. આ હુમલામાં અનેક લોકોને ઈજા પહોંચી હતી. ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ ટયૂનિશિયાના સૂજે શહેરના દરિયાકિનારા પર લોહીની નદીઓ વહેવડાવનાર આતંકવાદી અબુ યાહ્યા કેરવાનીનો ઘાતકી ચહેરો પણ જાહેર કર્યો છે. હુમલો કરતાં પહેલાં આતંકી સામાન્ય ટૂરિસ્ટની જેમ વર્તી રહ્યો હતો. તે લોકોને જોક્સ સંભળાવીને હસાવતો હતો, પરંતુ અચાનક તેણે પોતાની છત્રીમાંથી એકે ૪૭ કાઢીને બ્રિટિશ અને ફ્રેન્ચ સહિતના યુરોપિયન નાગરિકોને મારવાનું શરૂ કર્યું હતું. ટયૂનિશિયાના વતનીઓને તેણે હેમખેમ જવા દીધાં હતાં. તેનો પ્રથમ લક્ષ્યાંક બ્રિટિશ નાગરિકો હતાં. કુલ ૩૯ મૃતકોમાં જર્મન, બેલ્જિયમ સહિતના યુરોપિયન નાગરિકોનો સમાવેશ થાય છે.

કુવૈતની સુરક્ષા એજન્સીઓનાં સૂત્રોના જણાવ્યા મુજબ ૨૬ જૂનના રોજ થયેલા બોંબ વિસ્ફોટમાં સંડોવાયેલા અનેક શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે. ફ્રાન્સના વડા પ્રધાન મેન્યુએલ વોલ્સે ૨૭ જૂને દેશમાં વધુ આતંકવાદી હુમલાની ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ફ્રાન્સમાં પશ્ચિમ યુરોપના સૌથી વધુ મુસ્લિમો વસે છે.

ક્યાં અને કેવી રીતે ઘટના ઘટી

ઇસ્લામિક સ્ટેટ દ્વારા ૨૬ જૂને પ્રથમ હુમલો ભારતીય સમય મુજબ બપોરે ૧:૩૦ કલાકે દક્ષિણપૂર્વ ફ્રાન્સના ઇસેરે વિસ્તારમાં આવેલી એક અમેરિકન ગેસ કંપની ખાતે કરવામાં આવ્યો હતો. બે શંકાસ્પદ આતંકવાદીઓએ ફેક્ટરીમાં કાર ટકરાવી હતી જેને પગલે ગેસ ટેન્કરોમાં વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. આઇએસના આતંકીઓએ એક વ્યક્તિનો શિરચ્છેદ કરી તેનું માથું અરબી લખાણ સાથે ફેક્ટરીના ગેટ પર લટકાવ્યું હતું. ઘટના સ્થળેથી પોલીસને આઇએસઆઇએસનો ઝંડો મળી આવ્યો હતો.

બીજો હુમલો બપોરે ૩:૪૫ કલાકે કુવૈત સિટીની શિયા મસ્જિદ ખાતે કરવામાં આવ્યો હતો. રમઝાનમાં જુમ્માની નમાઝ બાદ મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૨૫ નમાઝીઓના મોત થયા હતા અને ૨૫ લોકોને ઇજા પહોંચી હતી. આઇએસ સાથે સંકળાયેલા સાઉદીસ્થિત આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

બપોરે ૪:૩૦ કલાકે ઉત્તર આફ્રિકન દેશ ટયૂનિશિયાના બીચ રિસોર્ટ ગણાતા સૂજે શહેરમાં કેટલાક બંદૂકધારી આતંકવાદીઓએ બે હોટેલોમાં વેકેશન માણી રહેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી, જેમાં બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશોમાંથી આવેલા ઓછામાં ઓછા ૩૯ વિદેશી સહેલાણીઓનાં મોત થયાં હતાં. મંત્રાલયના અધિકારી નોફેલ સોમરાનીના અનુસાર ઓળખાયેલા ૧૦ મૃતદેહો પૈકી આઠ બ્રિટન, એક જર્મન અને એક બેલ્જિયમનો નાગરિક છે. આમ ૨૬મી જૂન ૨૦૧૫નો શુક્રવાર ગોઝારો સાબિત થયો હતો. આ આતંકવાદી હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી છે.

ટ્યૂનિશિયામાં બિનસરકારી મસ્જિદો બંધ થશે

ટ્યૂનિશિયાની સરકારે આતંકવાદી હુમલા પછી દેશની ૮૦ મસ્જિદોને બંધ કરવાની જાહેરાત કરી છે. મસ્જિદો સરકારી નિયંત્રણની બહાર છે. વડા પ્રધાન હબીબ અલ અસીદે કહ્યું હતું કે મસ્જિદોમાંથી ઝેરી પ્રચાર કરવામાં આવે છે અને હિંસા માટે ઉશ્કેરવામાં આવે છે. આ દરમિયાન, બ્રિટિશ ટૂર ઓપરેટરો થોમસન અને ફર્સ્ટ ચોઇસે પર્યટકોને બહાર કાઢવા માટે ૧૦ વિમાન મોકલ્યા હતા. તેમાં ૨૫૦૦ લોકોને બચાવી લેવાયા હતા. બંને ઓપરેટરોએ કહ્યું હતું કે મૃતકોમાં મોટાભાગનાં તેમના ગ્રાહક હતા. તેમણે આગામી સપ્તાહ સુધી ટ્યૂનિશિયાની તમામ ટૂર અટકાવી છે. હવે બૂકિંગ ૨૪ જુલાઇથી શરૂ થશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter