ટ્યૂનિશઃ ટયૂનિશિયાની રાજધાની ટયૂનિશમાં સંસદભવન નજીકના બાર્ડો મ્યુઝિયમ પર આતંકવાદીઓએ બુધવારે હુમલો કર્યો હતો. જેમાં ૧૭ વિદેશી પ્રવાસીઓ સહિત બે સ્થાનિક નાગરિકનાં મોત થયાં હતા. આ ઉપરાંત આતંકવાદીઓએ મ્યુઝિયમમાં અનેક મુલાકાતીઓને બંધક બનાવ્યા હતા. હુમલાની જાણ થતાં ટયૂનિશિયાની સુરક્ષા એજન્સીએ આતંકીઓને ઠાર મારવાનું ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં હુમલો કરનારા બંને આતંકીઓ ઠાર થયા હોવાનું જાણવા મળે છે. જોકે, તેમાં એક પોલીસકર્મીનું પણ મોત થયું હતું. મ્યુઝિયમમાં બંધક બનેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે. આ વિદેશી પ્રવાસીઓમાં પોલીશ, ઇટાલિયન, જર્મન અને સ્પેનિશ નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઘટનાક્રમમાં ઘાયલ થયેલાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.