નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનની કંગાળ હાલત દુનિયામાં કોઈથી છૂપી નથી, પણ હવે તો દેશના દિગ્ગજ બિઝનેસ જૂથ ટાટા ગ્રૂપે એકલા હાથે સમગ્ર પાકિસ્તાનના અર્થતંત્રને પાછળ રાખી દીધું છે. એક અહેવાલ અનુસાર ટાટા જૂથનું માર્કેટ કેપિટલાઈઝેશન 365 બિલિયન ડોલર એટલે કે 30.30 લાખ કરોડ રૂપિયા પાર પહોંચી ગયું છે. બીજી તરફ આઈએમએફ (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)ના રિપોર્ટ અનુસાર, પાક.ની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન) 341 બિલિયન ડોલરની છે.
આમ પાક. અર્થતંત્રની ભારતીય અર્થતંત્ર સાથે તો સરખામણી છોડો એકલું ટાટા જૂથ પણ પાક.ના અર્થતંત્ર કરતાં મોટું છે. પાક.ની સરખામણીએ ભારતીય અર્થતંત્ર 11 ગણું મોટું છે. હાલ ભારતની જીડીપી લગભગ 3.7 બિલિયન ડોલર છે. અને 2028 સુધીમાં ભારત જાપાન અને જર્મનીને પછાડીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે તેમ મનાય છે. હાલ ભારત પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે.
સોનાથી લઈને સોફ્ટવેર સુધીના ક્ષેત્રોમાં વેપાર કરનારા ટાટા ગ્રૂપમાં એકથી એક ચડે તેવી કંપનીઓ છે. એકમાત્ર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)નું વેલ્યૂએશન 15 લાખ કરોડ રૂપિયા એટલે કે 170 બિલિયન ડોલર છે. આ કંપની ભારતની બીજા ક્રમની સૌથી મોટી કંપની છે. બીજા શબ્દોમાં કહીએ તો એકલી ટીસીએસ કંપની જ અડધા પાકિસ્તાની અર્થતંત્ર જેટલું કદ ધરાવે છે.
ટાટા જૂથની લિસ્ટેડ કંપનીઓનું પ્રદર્શન
નોંધનીય છે કે ટાટા જૂથની માર્કેટ વેલ્યુમાં અલગ અલગ લિસ્ટેડ કંપનીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ટાટા મોટર્સ અને ટ્રેન્ટે પાછલા એક વર્ષમાં શાનદાર વળતર આપ્યું છે. આવી જ તેજી ટાઇટન, ટીસીએસ અને ટાટા પાવરમાં જોવા મળી હતી. તાજેતરમાં જ લિસ્ટેડ બનેલી ટાટા ટેકનોલોજી સહિતની ગ્રૂપની આઠ કંપનીઓએ પાછલા 12 મહિનામાં પોતાના મૂલ્યને બમણું કરી દીધું છે. આ દરમિયાન ટાટા કેમિકલ્સ એકમાત્ર એવી કંપની રહી છે જેના વેલ્યુએશનમાં ઘટાડો થયો છે.
અનલિસ્ટેડ કંપનીઓનું મૂલ્ય 170 બિલિયન ડોલર
જોકે નોંધનીય છે કે ટાટા જૂથની તમામ કંપનીઓ લિસ્ટેડ નથી, ટાટા સન્સ, ટાટા કેપિટલ, ટાટા પ્લે, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ તથા એરલાઇન વ્યવસાય(એર ઈન્ડિયા અને વિસ્તારા) જેવી કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ નથી પણ જો તેમના અનુમાનિત બજાર મૂલ્યને ધ્યાન પર લેવામાં આવે તો ટાટા જૂથના કુલ મૂલ્યમાં 160-170 અબજ ડોલરનો વધારો થઇ શકે તેમ છે.