નવી દિલ્હીઃ પુલવામાનો બદલો લેવા પાકિસ્તાનનાં બાલાકોટમાં ધમધમતા આતંકી અડ્ડાઓને ફૂંકી માર્યા હોવાના પુરાવા માગતા અને આ હુમલામાં માર્યા ગયેલા આતંકીઓનો આંકડો પૂછતા વિરોધ પક્ષોને ભારતીય વાયુસેનાના વડા બી. એસ. ધનોઆએ સણસણતો જવાબ આપ્યો છે. સોમવારે તેમણે એક પત્રકાર પરિષદને સંબોધતા સ્પષ્ટ કર્યું કે એર સ્ટ્રાઈક વખતે ટાર્ગેટ પર જ બોંબ ઝીંકાયા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
અમે એક વખત ટાર્ગેટ નક્કી કરીએ તો તેને હિટ કરીએ જ છીએ... ટાર્ગેટને ફૂંકી મારીએ છીએ. અમે લાશો ગણવા બેસતા નથી. હુમલામાં કેટલા આતંકીઓ માર્યા ગયા તે આંકડો સરકાર પાસે હોય છે તેથી તેનો જવાબ સરકારના અધિકારી આપી શકે.
ભારતીય વાયુસેનાના વિમાનોએ તો ફક્ત જંગલોમાં વૃક્ષો પર જ બોંબમારો કર્યો હતો તેવાે પાકિસ્તાનનાે દાવો ટાંકીને ટીકા કરી રહેલા લોકોને એર ચીફ માર્શલ ધનોઆએ એવો અણિયાળો પ્રશ્ન પૂછ્યછયો હતો કે જો આવું હોત તો પાકે. આપણા હુમલાનો વળતો જવાબ શા માટે આપ્યો? એર ચીફ માર્શલે પાક.માં એર સ્ટ્રાઇક પછી પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એર ચીફ માર્શલે કહ્યું હતું કે આપણા બહાદુર જવાનોએ સફળતાપૂર્વક જ ટાર્ગેટને ફૂંકી માર્યા છે.
બીજા દિવસે પાકિસ્તાને ભારત પર હવાઈ હુમલાનો પ્રયાસ કર્યો ત્યારે તેના અત્યાધુનિક એફ-૧૬ વિમાનને ખદેડવા વાયુસેનાએ જૂના જમાનાના મિગ-૨૧ વિમાનનો શા માટે ઉપયોગ કર્યો તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, તે એક સારું વિમાન છે અને અપગ્રેડેડ છે. તે મિસાઇલ સહિતના અત્યાધુનિક સાધનોથી સજ્જ છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે રાફેલ વિમાનો સપ્ટેમ્બર સુધીમાં ભારતના વાયુસેનાના કાફલામાં સામેલ થઈ જશે.
ધનાઆએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ભારતનું પાકિસ્તાન સામેનું ઓપરેશન હજી ચાલુ છે. બાલાકોટમાં એર સ્ટ્રાઈક તો હજી પહેલું પગલું છે. તેમણે કહ્યું હતું કે જૈશનો વડો મૌલાના મસૂદ અઝહર હજી જીવિત છે. ભલે તેના મોતની અફવાઓ સરહદની પેલે પારથી આવતી રહે પણ તેની ખાતરી થઇ શકી નથી. જૈશના કેટલાક મોટા કમાન્ડરો પણ હજી જીવતા છે અને ભારત પર મોટા હુમલાની ફિરાકમાં છે. આથી ભારત કોઈ ચાન્સ લેવા માગતો નથી.
એર સ્ટ્રાઇક પહેલાં કેમ્પમાં ૩૦૦ મોબાઈલ સક્રિય હતા
બાલાકોટમાં ભારતીય વાયુસેનાની સ્ટ્રાઈક પહેલા ભારતીય ગુપ્તચર એજન્સીઓએ કરેલા ટેક્નિકલ સર્વેલન્સમાં જણાયું હતું કે જૈશના વડા મથકમાં ૩૦૦ કરતાં પણ વધારે મોબાઈલ સક્રિય હતા. જે સંકેત આપે છે કે જૈશના કેમ્પમાં એરસ્ટ્રાઈક વેળા ૩૦૦ કરતાં પણ વધારે આતંકીઓ સક્રિય હતા. એરફોર્સને બાલાકોટમાં એર સ્ટ્રાઈકની મંજૂરી મળી તે પહેલા નેશનલ ટેક્નિકલ રિસર્સ ઓર્ગેનાઈઝેશને જૈશના કેમ્પ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું અને તેમાં ૩૦૦ કરતાં પણ વધારે ટાર્ગેટ સક્રિય હોવાનું જણાયું હતું. ૨૬ ફેબ્રુઆરીએ ૧૨ મિરાજ-૨૦૦૦ વિમાનો પાકિસ્તાની એર સ્પેસમાં ઘૂસી ગયાં હતાં અને ૧,૦૦૦ કિલોનાં બોમ્બ વરસાવીને જૈશના કેમ્પને તબાહ કરી નાખ્યો હતો.