નવી દિલ્હીઃ ટેકનોલોજી સેક્ટરમાં છટણીની સુનામી આવી છે. સમગ્ર વિશ્વમાં આઇટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. તેના લીધે ઓગસ્ટમાં જ કુલ 27 હજાર લોકોએ નોકરીઓ ગુમાવી છે. ઇન્ટેલ, આઇબીએમ અને સિસ્કો સિસ્ટમ્સ જેવી કંપનીઓએ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. ઓગસ્ટમાં ટેક સેક્ટરમાં 40થી વધુ કંપનીઓએ છટણી કરી છે.
આ વર્ષે અત્યારે સુધીમાં કુલ 1.36 લાખ ટેક પ્રોફેશનલ્સ છટણીનો શિકાર બન્યા છે. ઓગસ્ટમાં વિશ્વની સૌથી મોટી ચિપ ઉત્પાદક કંપનીઓમાં એક ઇન્ટેલે તેના કુલ વર્કફોર્સના 15 ટકા એટલે કે 15 હજાર કર્મચારીઓની છટણી કરી હતી. કંપનીએ 2025 સુધીમાં દસ બિલિયન ડોલરનો ખર્ચ ઘટાડવા માટે આ પગલું ઉઠાવ્યું છે. ખર્ચમાં કાપ અને વ્યૂહરચનામાં ફેરફારના પગલે ઇન્ટેલને આવો નિર્ણય લેવાની ફરજ પડી છે.