એડિનબર્ગઃ એક નાનકડી સ્કોટિશ ફ્લાઇટ તેનું અંતર કાપવામાં માત્ર દોઢ મિનિટનો સમય લે છે. ‘વિશ્વની સૌથી ટૂંકા અંતરની ફ્લાઇટ’ તરીકે ગિનેસ બુકમાં નોંધાયેલી આ ફ્લાઇટ લોગનએર દ્વારા ઓપરેટ થાય છે અને સ્કોટલેન્ડના ઓર્કની આઇલેન્ડના વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રેને જોડે છે.
બ્રિટન-નોર્મન બીએન2બી-26 આઇલેન્ડર વિમાન પ્રવાસીઓને માત્ર 1.5 મિનિટમાં ગંતવ્ય સ્થાને પહોંચાડે છે અને લગભગ 2.7 કિમીનું અંતર કાપે છે. અને જો પવન યોગ્ય દિશામાં હોય તો ફ્લાઇટ એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં નિયત મુકામે પહોંચી જાય છે. આ ફ્લાઇટ આમ તો 1967થી ઓપરેટ થાય છે, પણ પ્રવાસીઓની ‘નજર’માં છેલ્લા થોડા વર્ષથી આવી છે. આથી ઘણા પ્રવાસીઓ માત્ર આ ફ્લાઇટમાં પ્રવાસ કરવા જ આ આઇલેન્ડની મુલાકાતે આવે છે. આમ, આ આઇલેન્ડના પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળ્યો છે.
માત્ર 10 બેઠકો ધરાવતી આ ફ્લાઇટની પહેલી રોમાં બેસનાર પ્રવાસી તો પાઇલટને પ્લેન ઓપરેટ કરતાં પણ આરામથી જોઇ શકે છે. એટલું જ નહીં, હવામાન જો એકદમ ક્લિયર હોય પ્રવાસી ફ્લાઇટમાં બેસે છે ત્યારે જ તેને લેન્ડિંગ એરપોર્ટની રન-વે સ્ટ્રીપ નજરે પડતી હોય છે. ના તો પાઇલટને નકશાની જરૂર પડે છે, ના તો પ્રવાસીઓને.
ફ્લાઇટ ટેકઓફ કરતાં પૂર્વે જ તમે વિન્ડોમાંથી જોઇ શકો છો કે તમારે ક્યાં લેન્ડિંગ કરવાનું છે. પ્લેનના વ્હીલ રનવે પરથી ઊંચકાય છે તે સાથે જ સ્ટોપવોચ શરૂ થઇ જાય છે. અહીં સૌથી ઝડપી ફ્લાઇટનો રેકોર્ડ 53 સેકન્ડનો છે, જે પાયલટ સ્ટુઅર્ટ લિંવક્લેટરના નામે નોંધાયેલો છે.
આ ફ્લાઇટનું જળસપાટી ઉપરનું અંતર 2.7 કિમી છે, જે એડિનબર્ગના રનવે જેટલું છે. વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે આમ તો બોટ સેવાથી જોડાયેલા છે ને જળમાર્ગે અંતર કાપતા 20 મિનિટ થાય છે. પરંતુ પ્રવાસીઓ યાદગીરી માટે ફ્લાઇટ પસંદ કરે છે.