ટેક્સાસ અને હ્યુસ્ટનને ધમરોળતું હાર્વેઃ ભારતીય સહિત ૩૦ના મૃત્યુ

Thursday 31st August 2017 03:13 EDT
 
 

ટેક્સાસ અને હ્યુસ્ટનમાં આવેલા હાર્વે ચક્રવાતના કારણે ભારે તારાજી સર્જાઈ છે. અમેરિકાના ઈતિહાસમાં ચક્રવાત સાથે સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. અહીં ચાર દિવસમાં બાવન ઈંચ વરસાદ થયો છે. ૧૯૫૦માં હિક્કી ચક્રવાત બાદ હવાઈમાં આટલો વરસાદ થયો હતો. અમેરિકાના અર્થતંત્રને ૩ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ૫ લાખ કાર પાણીમાં ડુબી ગઈ છે જ્યારે ૩૦ જણાનાં મોત નીપજ્યાં છે. તેમાં ભારતીય વિદ્યાર્થી નીખિલ ભાટીયા પણ છે. જયપુરનો નીખિલ ટેક્સાસની એન્ડએમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો.

કેમિકલ પ્લાન્ટ ફાટવાની આશંકા

કાસબીમાં આવેલા કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હોવાની આશંકા છે. તેના કારણે આસપાસના ૧.૫ માઈલ સુધીના વિસ્તારને ખાલી કરાવી દેવાયો છે. તે ઉપરાંત કેટલીક જગ્યાએ ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર દ્વારા પણ રેસ્ક્યૂ કાર્ય થઈ શકતું નથી.

લૂંટ પછી રાતમાં કરફ્યૂ લગાવાયો

ઘણા વિસ્તારોમાં લૂંટની ઘટનાઓ સામે આવી છે. રાતના સમયે રેસ્ક્યૂમાં આવતી સમસ્યાઓને ધ્યાનમાં રાખતા કરફ્યૂ લગાવી દેવાયો છે. સુરક્ષા દળો અત્યાર સુધીમાં ૩૦ હજાર લોકોને બચાવી ચુક્યા છે. હજુ પણ હજારો લોકો ફસાયેલા છે.

ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ

આઇસીયુમાં બે દિવસ સુધી કોમામાં રહ્યા પછી ૨૪ વર્ષના ભારતીય વિદ્યાર્થી નિખિલ ભાટિયાનું મૃત્યુ થયું છે. નિખિલ રાજસ્થાનના જયપુરનો વતની હતો. હ્યુસ્ટન યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યા મુજબ નિખિલ અને ભારતીય વિદ્યાર્થીની શાલિની સિંહ શનિવારે સ્થાનિક સરોવરમાં તરવા ગયા હતા. ભાટિયાને બ્રોયન સરોવરમાં ડૂબતા બચાવવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

છ દિવસ સુધી ટેક્સાસને ધમરોળ્યું

ટેક્સાસ અને હ્યુસ્ટનમાં બચાવ અને રાહત કામગીરી કરી રહેલા સ્વયંસેવકો હરિકેન હાર્વેથી ગભરાઈ ગયેલા સંખ્યાબંધ લોકોને ઉગારી ચૂક્યા છે. પૂરના પાણીની સપાટી હજી ઊંચી જવાની સંભાવનાઓ વચ્ચે અધિકારીઓ લોકોને ધીરજ રાખવાની સલાહ આપતાં સમજાવી રહ્યા છે કે સ્થિતિ હજી સુધરવાની સંભાવના નથી. ટેક્સાસના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હરિકેન અને પૂરે અત્યાર સુધીમાં ૩૦ લોકોનો ભોગ લીધો છે. 

ટેક્સાસના મેયરે હ્યુસ્ટન વિસ્તારમાં કરફ્યુ લાદયો છે. સતત છ દિવસ સુધી ટેક્સાસ સ્ટેટમાં તારાજી સર્જીને હરિકેન હવે સાઉથ-વેસ્ટમાં લ્યુસિઆનિયા પર ત્રાટક્યું છે. બુધવારે વહેલી સવારે હરિકેન લુઇસિઆના પર ત્રાટક્યું હતું. હરિકેન હાર્વે ત્રાટકવાની આગાહીથી હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને તેમને હ્યુસ્ટનમાં આશરો અપાઇ રહ્યો છે. જોકે ત્યાં પણ સ્થિતિ સુધરવાનું નામ નથી લેતી. હ્યુસ્ટનના પોલીસ વિભાગના જણાવ્યા મુજબ ૪૦૦ જેટલા બચાવ અભિયાન હાથ ધરીને પૂરના પાણીમાંથી ૩,૫૦૦ લોકોને બચાવવામાં આવ્યા છે.

એક સપ્તાહમાં બાવન ઈંચ વરસાદ

હ્યુસ્ટનમાં ત્રાટકેલા હરિકેન હાર્વેએ અમેરિકી ખંડમાં અત્યાર સુધીમાં થયેલા વરસાદના તમામ વિક્રમ તોડી નાખ્યા છે. હરિકેન ત્રાટક્યું ત્યારથી મંગળવાર સાંજ સુધીમાં હ્યુસ્ટન ઉપર બાવન ઇંચ પાણી વરસી ચૂક્યું છે. હવામાન અધિકારીએ જણાવ્યું હતું કે હેરિકસ કાઉન્ટીના ૧,૮૦૦ ચોરસ માઇલ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે.

મદદ માટે રૂ. ૩૦ હજાર કરોડનું દાન મળ્યું

અત્યાર સુધીમાં રાહત માટે લોકોએ ૩૦ હજાર કરોડ રૂપિયાનું દાન કર્યું છે. દાતાઓમાં ફેસબુક, ગૂગલ, બિઝનેસમેન, ચેરિટી સંસ્થા, હોલિવૂડની સેલિબ્રિટિઝ અને સામાન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. એક ફર્નિચર કંપનીએ તો તેના શો-રૂમ અસરગ્રસ્તોને આશરો આપવા માટે ખુલ્લા મૂકી દીધા છે.

અગાઉ કરતાં વધુ વરસાદ

અમેરિકાનું શહેર રોકપોર્ટના આંકડા જણાવે છે કે આ પ્રકારના વરસાદની સરાસરી અગાઉ ૧,૮૦૦ વર્ષમાં એક વાર હતી. જોકે ૨૦૧૦થી સતત વધી રહેલા તાપમાનને કારણે આ સરાસરી ઘટીને ૩૦૦ વર્ષની થઈ ગઈ છે.

હાર્વે, કેટરિના અને વિલ્મા

૧૨ વર્ષ બાદ અમેરિકામાં હાર્વેના સ્વરૂપમાં આટલું શક્તિશાળી તોફાન આવ્યું, જેણે બધું જ ખેદાનમેદાન કરી નાખ્યું. આ તોફાનની ઝડપ ૨૧૫ કિલોમીટર પ્રતિ કલાક હતી. ત્રણ કલાકની તારાજી બાદ હાર્વે થોડું કમજોર પડ્યું. એ છતાં પવનની ઝડપ ૨૦૧ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. રોકપોર્ટ અને પેટ્રિક રિચોસ જેવાં શહેરો ખાલી કરાવી લેવામાં આવ્યા હતાં. આ અગાઉ અમેરિકામાં ૨૦૦૫માં બે બહુ જ શક્તિશાળી તોફાન કેટરિના અને વિલ્મા આવ્યાં હતાં. બંનેએ ૨,૦૦૦થી વધુ લોકોના જીવ લીધા હતા.

કેમ આવે છે હરિકેન?

ગ્લોબલ વોર્મિંગનો મતલબ ગરમ થતાં સમુદ્ર પણ છે અને ગરમ પાણી તોફાનને વધારવાનાં સૌથી મોટાં કારણોમાંનું એક છે મોસમ વિઞ્જાન. વિશેષઞ્જોના કહેવા પ્રમાણે જ્યારે હાર્વે હરિકેન ટેક્સાસની તરફ આગળ વધ્યું ત્યારે મેક્સિકોની ખાડીમાં તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે હતું. જો આ ભયંકર તોફાન સામાન્ય આંધીની માફક વધ્યું હોત તો એણે એક જ જગ્યાએ આટલું પાણી વરસાવ્યું નહોત. હાર્વે એક જ જગ્યાએ ભેગું થયું અને વરસ્યું કારણ કે આ બે હાઇ પ્રેશરવાળાં સ્થાનની વચ્ચે બન્યું જે આને વિપરિત દિશાઓમાં ધકેલતું રહ્યું.

૧ ડિગ્રી વધુ તાપમાન ૪ ગણું વધુ પાણી વરસાવે

ટેક્સાસ રાજ્યમાં આવેલા ભયાનક હાર્વે હરિકેન પછી વૈઞ્જાનિકોએ આવનારા દિવસો માટે ગંભીર ચેતવણી આપી છે. તેમના પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ ભવિષ્યમાં કેટલાક ભયાનક તોફાન લાવી શકે છે. ટેક્સાસમાં કેર વર્તાવ્યા બાદ હવે હાર્વે, હ્યુસ્ટન તરફ વળ્યું છે. અત્યાર સુધીમાં આ હરિકેનના કારણે ૩૦ લોકોનં મોત થયા છે. એમાં મહિનાઓનો સમય લાગી શકે છે. પરંતુ તેમનું કહેવું છે કે સામાન્ય રીતે ગરમ હવા અને ગરમ પાણી આવનારા સમયમાં આના કરતાં વધુ ભયંકર તોફાન આવી શકે છે.

• ૪૦ હજારથી વધુ મકાનો નાશ પામ્યાં હોવાનો અંદાજ

• ૨૦ હજારથી વધુ લોકોને શેલ્ટર હાઉસમાં ખસેડાયા

• ૫૦ ઇંચ વરસાદ ટેક્સાસમાં પાંચ દિવસથી પડ્ય

• ૧૩ હજાર લોકોને પાંચ દિવસમાં બચાવાયાં


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter