ટેક્સાસ: અમેરિકાના ટેક્સાસ પર શક્તિશાળી વાવાઝોડું હરિકેન હાર્વે ૨૬મી ઓગસ્ટે ત્રાટકતાં ચક્રવાતી વંટોળને કારણે યુએસમાં અનેક શહેરમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ટેક્સાસ ભારે પૂરસંકટનો સામનો કરી રહ્યો છે. કોર્પ્સ ક્રિસ્ટી અને ટેક્સાસમાં હરિકેન ત્રાટકતાં દરિયાનાં મોજાંની ઊંચાઈ વધી ગઈ હતી. ૧૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતાં ભારે નુકસાન પહોંચ્યાના અંદાજ છે. અમેરિકામાં ચક્રવાતે ભારે તારાજી સર્જી છે. ૧૩ વર્ષમાં આ સૌથી શક્તિશાળી ચક્રવાત છે. તેના કારણે ટેક્સાસ અને હ્યુસ્ટનમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. રસ્તાઓ પર હોડીઓ દોડવા લાગી છે. સંખ્યાબંધ ઈમારતો પાણીમાં તણાઈ ગઈ છે. ૨ લાખ ઘરોમાં વીજપૂરઠો ખોરવાયો છે. હજારો લોકોએ મકાનોની છત પર રાત વિતાવવાની નોબત આવી છે. હ્યુસ્ટનમાં પાચ લોકોના મોત નીપજ્યાં છે. હવામાન ખાતાએ જણાવ્યા અનુસાર ૨૭મીથી ૨૯મી ઓગસ્ટ સુધીમાં ટેક્સાસ શહેરમાં ૧૧ ટ્રિલિયન ગેલન પાણી વરસ્યું છે. આટલા પાણીથી કેલિફોર્નિયાનો સદીનો સૌથી ભીષણ દુકાળ (૨૦૧૫) પણ ખતમ થઈ શકે છે. એવું લાગી રહ્યું છે.
૨૫૦૦ ન્યુક્લિઅર રિએક્ટર સાથે તુલના
હાર્વે ચક્રવાતની તુલના ૨૫૦૦ ન્યુક્લિઅર રિએક્ટરમાંથી નીકળથી ઉર્જા સાથે થઈ શકે. અમેરિકી મીડિયાએ તેને મહાપ્રલય ગણાવ્યો છે. તેનાથી ૨૦૦૫માં આવેલા કેટરિના વાવાઝોડા જેટલી તારાજી સર્જાઈ છે. જોકે કેટરિના વાવાઝોડું ત્રાટક્યું ત્યારે મોટાપાયે માલહાનિ ઉપરાંત ૧૮૦૦ જણાનાં મોત નીપજ્યાં હતાં.
ભારતીયોને સૂચના
ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, હ્યુસ્ટન યુનિ. કેમ્પસમાં પાણી ભરાતાં ૨૦૦ વિદ્યાથીઓ ફસાયા છે. બે ભારતીય વિદ્યાર્થી શાલિની અને નિખિલ ભાટિયાની તબિયત ખરાબ થતાં તેમને આઇસીયુમાં દાખલ કરાયા છે.
૧૦૦૦ ફ્લાઈટ્સ રદ
• હાર્વેના કારણે ટેક્સાસ અને હ્યુસ્ટનનો સંપર્ક અન્ય શહેરોથી તૂટી ગયો છે.
• એક હજાર ફ્લાઇટ્સ રદ કરાઈ છે. ૩૦ હજાર કરોડનું નુકસાન થયું છે.
• હ્યુસ્ટન શહેરના ૧૦ હજાર લોકોને રેસ્કયુ કરાયા છે. અંદાજે ૩૦ હજાર હંગામી શેલ્ટરની જરૂર ઊભી થઈ છે.