ઓસ્ટીનઃ રાષ્ટ્રપતિ જો બાઈડેને ટેક્સાસની કુદરતી આપત્તિને મોટી દુર્ઘટના જાહેર કરી છે. આથી હવે ફેડરલ બજેટમાંથી પણ રાહત કામગીરી માટે ભંડોળ મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ટેક્સાસમાં ભીષણ હિમવર્ષા અને ત્યારપછી આવેલા વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં ૫ દિવસથી લોકો વીજળી-પાણી વિના ટળવળી રહ્યાં છે. લગભગ ૧.૩૦ કરોડ લોકો સુધી હજુ પાણી પહોંચ્યું નથી. બાઈડેન શુક્રવારે ટેક્સાસના પ્રવાસે જશે કુદરતે વેરેલા વિનાશ અંગે જાણકારી મેળવશે.
બાઈડેન ટેક્સાસના અનેક શહેરોના મેટરોના સંપર્કમાં છે. હ્યુસ્ટન, ઓસ્ટીન અને ડલાસમાં સરકારી સંસાધનો પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. અનેક ઠેકાણે બરફ જામી જવાથી પાણીની પાઈપો ફાટી ગઈ છે.
જેક્સન, મિસીસીપી જેવા મોટા શહેરોમાં પાણી નથી પહોંચ્યું. આ ઉપરાંત ટેનેસીમાં ૬.૫૦ લાખ ઘરોમાં વીજળી નથી. અત્યાર સુધીમાં ટેક્સાસમાં આ ભીષણ તોફાનથી ૬૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. બાઈડેને અસ્થાયી નિવાસસ્થાન અને ઘરના સમારકામ માટે ગ્રાન્ટ ઉપરાંત ઓછા વ્યાજના દરની લોન આપવાની પણ જાહેરાત કરી છે.
સુપરપાવર અમેરિકાના નાગરિકોની મુશ્કેલીઓને અંત નથી આવી રહ્યો. કોરોનાના કારણે લોકો ફૂડ પેકેટ લેવા લાંબી લાઇનોમાં ઊભા રહેતા હતા. હવે ફરી એક વાર આવી તસવીરો સામે આવી છે. આ વખતે બરફના તોફાનના કારણે આવી સ્થિતિ સર્જાઇ છે.
હિમવર્ષાના કારણે વીજળીની ગ્રીડ બંધ થઇ ગઇ હતી. આ કારણસર અહીંના અનેક વિસ્તારમાં પાંચ દિવસ સુધી વીજળી, ગેસ પુરવઠો ખોરવાઇ ગયો હતો. આ ભયાનક ઠંડીમાં હીટર પણ બંધ થઇ ગયા હતા.
લોકોએ ઠંડીથી બચવા માટે ઘરો અને કારોમાંથી બહાર જ નહોતા નીકળતા. આ કારણસર કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી ગયું અને અનેક લોકોએ ત્યાં દમ પણ તોડી દીધો. કેટલાક હાઇપોથર્મિયાના શિકાર થયા. ઓહિયો સહિત અનેક સ્થળે આવી ઘટનાઓમાં અત્યાર સુધી ૬૦ લોકોના મોત થયા છે.
બીજી તરફ, ટેક્સાસમાં પણ પાણીની અછતુનું સંકટ સર્જાયું છે. ભીષણ ઠંડીના કારણે પાણીનો પુરવઠો આપતી લાઇનોમાં બરફ જમા થઇ ગયો છે. તેના કારણે અહીંની ૨.૯ કરોડમાંથી અડધી વસતી સંકટનો સામનો કરી રહી છે. હ્યુસ્ટનના એક સ્ટેડિયમ બહાર પાણીની બોટલ મેળવવા માટે સેંકડો લોકોએ લાઇન લગાવી હતી.