જર્મનીના ૭૨ વર્ષના વોલ્ફગાંગ કિર્શ ટેટૂના એટલા બધા શોખીન છે કે તેમને બે-ચાર-આઠ-દસ ટેટૂ ચિતરાવીને સંતોષ ન થયો. એક પછી એક તેમણે એટલા બધા ટેટૂ કરાવ્યા કે આજ સુધીમાં તેઓ પગથી માથા સુધી શરીરના ૯૮ ટકા ભાગમાં ટેટૂ કરાવી ચૂક્યા છે. તેમનો દાવો છે કે તેઓ જર્મનીના સૌથી વધુ ટેટૂ કરાવનારા શખસ છે. તેમણે ૮૬ ટેટૂ અને ૧૭ ઇમ્પ્લાન્ટ કરાવ્યા છે. પગના તળીયા સિવાય આખા શરીરે ટેટૂનું ચિતરામણ કરાયેલું છે. તેમણે શરીરમાં કરાવેલા કેટલાક ઇમ્પલાન્ટમાં મેગ્નેટ લાગેલા હોવાથી લોખંડની નાની-નાની વસ્તુઓ તેમના શરીર સાથે આસાનીથી ચોંટી જાય છે. આથી તેમણે પોતાનું નિકનેમ ‘મેગ્નેટો’ પણ રાખ્યું છે. પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કરતા વોલ્ફગાંગે પહેલું ટેટૂ ૪૬ વર્ષની ઉંમરે કરાવ્યું હતું. પોતાને આખી દુનિયાથી અલગ દેખાડવાની લ્હાયમાં આખા શરીરે ટેટૂ કરાવવામાં તેમને ૨૦ વર્ષ લાગ્યા છે, જેની પાછળ તેમણે લગભગ ૨૨ લાખ રૂપિયા ખર્ચી કાઢ્યા છે. જોકે તેમને આ લગન કહો કે પાગલપન હવે આર્થિક રીતે ફળ્યું છે. આજકાલ તેમને મોડેલિંગની અને ફોટોશૂટની ઢગલાબંધ ઓફર્સ મળી રહી છે અને તેઓ સારી કમાણી રળી રહ્યાાં છે.