વોશિંગ્ટનઃ ભારતવંશી અમેરિકન સાંસદોએ પ્રમુખ ટ્રમ્પના પારસ્પરિક ટેરિફ લગાવવાના નિર્ણયની ટીકા કરી છે. તેમણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણય ગેરજવાબદાર અને આત્મઘાતી ગણાવ્યો છે. આ સાંસદોએ અમેરિકા અને ભારત એમ બન્ને દેશોના નેતાઓને વાતચીત કરીને આ પડકારનો સામનો કરવા અપીલ કરી છે. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ભારત આપણા પર 52 ટકા ટેરિફ લગાવે છે તો આપણે તેમના પર અડધું એટલે કે 27 ટકા ટેરિફ લાગુ કરીએ છીએ. ભારતવંશી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે ટેરિફ લગાવવાના કારણે અમેરિકન મધ્યમવર્ગીય પરિવારો પર ટેક્સનો બોજ પડશે કે જેથી ટ્રમ્પ અમીરો પર લાગુ થતાં ટેક્સમાં કાપ મૂકી શકે. તેમણે જણાવ્યું હતું કે આ કહેવાતા મુક્તિ દિવસના ટેરિફ ગેરજવાબદાર અને આત્મઘાતી સાબિત થશે. તેને પગલે ઈલિનોઈસના લોકો પર આર્થિક દબાણ વધશે કે જેઓ પહેલેથી જ આર્થિક મુશ્કેલીમાં ઘેરાયેલાં છે. અન્ય એક ભારતવંશી સાંસદ રો ખન્નાએ પણ જણાવ્યું હતું કે ટ્રમ્પ રાતોરાત કોઈપણ વ્યૂહરચના વગર ટેરિફ લગાવીને આપણા અર્થતંત્રને તબાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.