નવી દિલ્હી: અમેરિકન ઇલેક્ટ્રોનિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લાનું ભારતમાં આવવાનું હારપૂરતું ટળી ગયું છે. બ્લૂમબર્ગના એક અહેવાલ પ્રમાણે બિલિયોનેર એલન મસ્કનો એપ્રિલના અંતમાં નક્કી થયેલો ભારતપ્રવાસ લગભગ છેલ્લી ઘડીએ રદ થયા પછી ટેસ્લાના ભારતીય અધિકારીઓ સાથે સંપર્ક બંધ કરી દેવાયો છે. તેને પગલે કંપની ભારતમાં રોકાણ કરશે તેવી આશા ધૂંધળી થઈ છે. અહેવાલ પ્રમાણે આર્થિક પડકારોને કારણે ટેસ્લા ભારતમાં રોકાણની યોજના ઘડવાનું મુલત્વી રાખ્યું છે. તો બીજા એક અહેવાલ અનુસાર, ટેસ્લા જો ભારતમાં તેનું પ્રોડક્શન યુનિટ સ્થાપે તો ચીનમાં ધમધમતા તેના પ્લાન્ટની કામગીરી પર વિપરિત અસર થાય તેમ હતું. આથી ચીની સત્તાધીશોએ ટેસ્લાની કામગીરીને ભારતમાં જતી રોકવા માટે તેને વિશેષ રાહત ઓફર કરી હોવાથી ટેસ્લાએ તેની કામગીરી ભારત ખસેડવાનું મુલત્વી રાખ્યું છે.
ભારતે આ વર્ષે માર્ચમાં 41.5 બિલિયન રૂપિયાની ઈવી (ઇલેક્ટ્રિકલ વ્હીકલ) નીતિને મંજૂરી આપી છે. તેમાં વૈશ્વિક ઈવી રોકાણને આકર્ષિત કરવા અને એડ્વાન્સ ઈવી માટે ભારતને મોટું નિર્માણ કેન્દ્ર બનાવવા માટે અનેક પ્રોત્સાહન અપાયાં હતાં. આ પછી જ મસ્કે ભારતયાત્રાની જાહેરાત કરી હતી.
ઓલા કેબ્સના સીઈઓ ભાવિશ અગ્રવાલે કહ્યું કે ભારતીય બજારમાં રોકાણ ન કરવામાં ટેસ્લાને જ નુકસાન છે. ટેસ્લા થોડાં વર્ષો પછી ફરીથી ભારતને ગંભીરતાથી લેશે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હશે.