ન્યૂ યોર્કઃ બિલિયોનેર બિઝનેસમેન અને ટેસ્લાના માલિક એલન મસ્કે હ્યુમેનોઇડ રોબોટની નવી આવૃત્તિ રજૂ કરી છે. આ પ્રસંગે ટેસ્લાના સીઈઓ એલન મસ્કે કહ્યું હતું કે તે એક દિવસ ગરીબીનો ખાત્મો કરી શકે છે. ટેસ્લાએ ઓપ્ટિમસ રોબોટને ગયા શુક્રવારે વાર્ષિક એઆઈ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) ડે પ્રેઝન્ટેશન દરમિયાન મંચ પર રજૂ કર્યો હતો. રોબોટે દર્શકોની તરફ હાથ હલાવ્યો હતો અને ત્યારબાદ તે પોતાના ઘૂંટણ પણ બેસી ગયો હતો. બિલિયોનેર ટેક દિગ્ગજ મસ્કે સિલિકોન વેલીમાં આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે અમારું લક્ષ્ય શક્ય એટલો જલદી એક ઉપયોગી હ્યુમેનોઇડ રોબોટ બનાવવાનું છે. હજું તેમાં ઘણું કામ કરવાનું બાકી છે.
કંપનીના એન્જિનિયરોએ પ્રેઝેન્ટેશન દરમિયાન જણાવ્યું હતું કે આ હ્યુમેનોઇડ કાર કંપનીમાં પણ ઓપ્ટિમસ ક્ષમતાઓ હેઠળ કાર્ય કરી શકશે. તે ફરવા અને બેસવા સિવાય સામાન્ય લોકોની જેમ મ્યુઝિકની ધૂન પર ડાન્સ પણ કરી શકશે.
મસ્કે કહ્યું હતું કે રોબોટને અમે તમને જેટલો દેખાડ્યો છે તેના કરતાં તે વધારે કામ કરી શકે છે. ટેસ્લા ઓપ્ટિમસ રોબોટને મોટી સંખ્યામાં ઉત્પાદિત કરવા માટે ડિઝાઈન કરી રહી છે. જેનાથી તેની કિંમત નીચી રહી શકે છે.
એલન મસ્કે કહ્યું હતું કે આ હ્યુમનોઇડનો અર્થ ભવિષ્ય માટે છે. એક એવું ભવિષ્ય જ્યાં કોઈ ગરીબી નથી. એક એવું ભવિષ્ય જ્યાં તમે પ્રોડક્ટ્સ અને સેવાઓના મામલે જે ઇચ્છો તે પ્રાપ્ત કરી શકો છો. સાથે જ તે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. તેની સાથે ચેડા નહીં કરી શકાય. તેમણે કહ્યું હતું કે ટેસ્લા કંપનીમાં સૌથી પહેલા રોબોટનું પરીક્ષણ કરવામાં આવશે. સાથે જ ત્રણથી પાંચ વર્ષની વચ્ચે સામાન્ય લોકો પણ આ રોબોટને ખરીદી શકશે.