ન્યૂ યોર્કઃ ઈલોન મસ્કની નેટવર્થમાં આ સપ્તાહે અત્યાર સુધી ૫૦ બિલિયન ડોલર એટલે કે રૂ. ૩.૭૧ લાખ કરોડનો જંગી ઘટાડો થયો છે. સતત બે દિવસ ટેસ્લા ઈન્કના શેરોમાં કડાકો બોલવાના કારણે મસ્કની સંપત્તિ ઘટી છે. હવે મસ્કની સંપત્તિ ૨૮૮ બિલિયન ડોલર થઈ ગઈ છે. આમ છતાં, હજુ પણ મસ્કની સંપત્તિ દુનિયાના બીજા નંબરની સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેઝોસથી (આશરે ૨૦૬ બિલિયન ડોલર) વધારે છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના ઈતિહાસમાં આ બે દિવસનો સૌથી મોટો ઘટાડો છે. અગાઉ જેફ બેઝોસે ૨૦૧૯માં મેકેન્ઝી સ્કોટ સાથે છૂટાછેડા લીધા ત્યારે તેમની સંપત્તિમાં એક દિવસમાં ૨૬ બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. એક અહેવાલ પ્રમાણે, મસ્કે તેની ટેક્સ જવાબદારીને ચૂકવવા માટે ૧૦ ટકા શેર વેચ્યા છે, તેનું મૂલ્ય આશરે ૨૧ બિલિયન ડોલર છે. ટેસ્લાના શેરોમાં ભાવ ઘટાડાનું મુખ્ય કારણ મસ્કે ટ્વિટર પર શરૂ કરેલો સરવે હતો. મસ્કે ટ્વિટર પર એક પોલ શરૂ કરીને પૂછ્યું હતું કે, ‘હું મારી કંપનીના ૧૦ ટકા શેર વેચવા તૈયાર છું. મારે આવું કરવું જોઈએ?’ તેમાં ૫૭.૯ ટકા લોકોએ ‘હા’ જવાબ આપતા ટેસ્લાના શેરોના ભાવ ઘટવા લાગ્યા હતા.