નવી દિલ્હીઃ ટ્વિટરના નવા માલિક એલન મસ્કે કર્મચારીઓ સાથે એક મિટિંગ યોજી હતી. એમાં એક પછી એક ટોચના અધિકારીઓના રાજીનામાના સંદર્ભે મસ્કે કહ્યું હતું કે જો આ ટ્રેન્ડ ચાલતો રહ્યો તો ટ્વિટરને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે અને ટ્વિટરનું દેવાળું ફૂંકાઈ જાય તો પણ નવાઈ પામવા જેવું નહીં. સાથે સાથે જ મસ્કે હજુ પણ વર્ક ફ્રોમ હોમ કરતા કર્મચારીઓને નોકરી પર હાજર થવાનું ફરમાન પણ જારી કર્યું હતું.
ટ્વિટરના ચીફ સિક્યુરિટી ઓફિસર લી કિસનેર, એક્ઝિક્યુટિવ્સ – યોએલ રોથ, રોબિન વ્હિલર ઉપરાંત ચીફ કમ્પલાયન્સ ઓફિસર મેરિએન ફોગાર્ટી સહિતના ટોચના અધિકારીઓ ટ્વિટરમાંથી રાજીનામું આપી ચૂક્યાં છે. એક પછી એક ટોચના અધિકારીઓના રાજીનામાના કારણે ટ્વિટરના સંચાલનમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે. અમેરિકન ફેડરલ ટ્રેડ કમિશનનું કહેવું છે કે ટોચના પોલિસી ઓફિસર્સના રાજીનામાના કારણે ટ્વિટર સામે રેગ્યુલેટરી ઓર્ડરના ઉલ્લંઘનનું જોખમ મંડરાઈ રહ્યું છે.
આ જ વાત ટ્વિટરના માલિક એલન મસ્કે કર્મચારીઓની મિટિંગમાં કહી હતી. મસ્કે કહ્યું હતું કે સિનિયર અધિકારીઓના રાજીનામા બાદ ટ્વિટર સામે ગંભીર ખતરો સર્જાયો છે અને તેનાથી કંપનીને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ સ્થિતિ કંપનીના ઉજ્જવળ ભવિષ્ય માટે ખતરનાક છે અને કંપનીનું દેવાળું ફૂંકાઈ શકે છે.
દુનિયાના સૌથી ધનિક મસ્કે ટ્વિટર પર કબજો જમાવ્યો ત્યારથી ટ્વિટર દરરોજ કોઈને કોઈ કારણથી સમાચારોમાં રહી છે. ટ્વિટરમાંથી ભારતવંશી સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ટોચના અધિકારીઓ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હકાલપટ્ટી પછી મસ્કે કંપનીમાંથી કર્મચારીઓની હકાલપટ્ટી શરૂ કરી છે. મસ્કે ભારતમાં ટ્વિટર ઈન્ડિયાની 250 કર્મચારીઓની આખી ટીમને કાઢી મૂકી છે. એક સમયે તેના ઓપન વર્ક કલ્ચર માટે પ્રખ્યાત ટ્વિટરના કર્મચારીઓને ગયા પખવાડિયે સવારે કંપનીનો ઈ-મેલ મળ્યો કે તમે ઓફિસ આવતા હોવ તો પાછા જાવ, સાંજ સુધીમાં ટર્મિનેશન લેટર મળવાની રાહ જૂઓ. મસ્કનો આ સંદેશ આખી દુનિયામાં ટ્વિટરના બધા જ કર્મચારીઓને મોકલાયો હતો. બીજી બાજુ થોડાક કલાકો માટે ટ્વિટર ડાઉન થઈ જતાં સેંકડો યુઝર્સ પરેશાન થઈ ગયા હતા. જોકે, બધા લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડયો નહોતો.