ટોરોન્ટો: નવરાત્રિના પાવન દિવસોમાં ભારતમાં અનેક સ્થળે રામલીલા ભજવાય છે. આવી જ રામલીલા આ વર્ષે પણ કેનેડાના ટોરોન્ટોમાં ભજવાઇ છે. ચાલુ વર્ષે દશેરાનું પર્વ ઊજવવા ટોરોન્ટોમાં ભવ્ય રામલીલા મહોત્સવ યોજાયો હતો, જે ખૂબ જ ભવ્ય હતો. રામલીલા મહોત્સવના આ આયોજને માત્ર ભારતીય મૂળના લોકોના જ નહીં. બલકે અન્ય સંસ્કૃતિના લોકનાં મન પણ મોહી લીધા હતાં. રામલીલામાં ભગવાન રામની જીવનગાથાને નૃત્યનાટિકા સ્વરૂપે પ્રસ્તુત કરાઇ હતી જેણે ભારતીય મૂળના લોકોને ભાવવિભોર કરી દીધા હતા. રામલીલા ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ રહી છે. છએક વર્ષ પહેલાં લખનઉના સૌમ્યા મિશ્રાએ આ મહાન સંસ્કૃતિને કેનેડાની ભૂમિ પર જીવંત કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદથી કેનેડામાં રામલીલા મહોત્સવનું રંગેચંગે આયોજન કરાય છે.