નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ દરમિયાન અમદાવાદ, દિલ્હી, આગ્રાની મુલાકાત લઈ શકે છે. જેને પગલે આ શહેરોમાં સુરક્ષાથી લઇને ટ્રમ્પના સ્વાગતની તડમાર તૈયારીઓ કરાઈ રહી છે. અમેરિકામાં નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન હાવડી મોદી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, તેના જેવો જ કાર્યક્રમ હવે ટ્રમ્પ માટે ભારતમાં પણ યોજવામાં આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ અને ૨૫મી ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાત માટે આવવાના છે તેવું વ્હાઈટ હાઉસે ટ્વિટ કર્યું છે. આ દરમિયાન મોદી સાથે ટ્રમ્પની મુલાકાતમાં બંને દેશો ભારત અને અમેરિકા વચ્ચે જે વ્યાપારનો વિવાદ ચાલી રહ્યો છે તેનો અંત આવે તેવી શક્યતાઓ છે.
અમેરિકામાં હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ ચાલે છે. આ સ્થિતિમાં ટ્રમ્પની ભારતની મુલાકાત અમેરિકામાં વસતા ભારતીયોના મતોને આકર્ષવા માટે પણ મહત્ત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. તેમ રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે.
વ્હાઇટ હાઉસના નિવેદનમાં જણાવાયું છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજર એવા વિસ્તારોમાં વધુ છે કે જ્યાં ગુજરાતીઓ અને અન્ય ભારતીયોની સંખ્યા વધુ હોય. જેમાં ન્યૂ જર્સી, ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યૂ યોર્કનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પ અને તેના ડેલિગેશનની વચ્ચે ૨૪મી ફેબ્રુઆરીએ બેઠક યોજાય તેવી શક્યતા છે. બાદમાં ટ્રમ્પ આગરા અને અમદાવાદની મુલાકાત લે તેવી શક્યતાઓ છે.