વોશિંગ્ટન : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા, પુત્રી ઇવાન્કા અને જમાઇ જેરેડ કુશનેરે તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી. તેઓ અમેરિકા પહોંચી ગયા છે, પણ ભારતને ભૂલી શકતા નથી. તેઓએ હૃદયપૂર્વક ભારતને યાદ કરીને ભારતીયોનો આભાર માન્યો છે. ઈવાન્કાએ તાજ પરિસરમાં ક્લિક કરાવેલી તસવીરોને લોકો ફોટોશોપ્ડ કરીને સોશિયલ મીડિયામાં તાજેતરમાં શેર કરી છે. ઈવાન્કાએ શેર કરેલી તસવીરોમાં જાણીતો બોલિવૂડ એક્ટર-સિંગર દિલજીત દોસાન્જ પણ બાકાત નથી. આ તસવીરો સોશિયલ મીડિયામાં છવાઇ ગઈ છે.
મેલાનિયા ટ્રમ્પે પણ દિલ્હીની સ્કૂલની તસવીરો શેર કરી છે અને લખ્યું છે કે, દિલ્હીની સર્વોદય સ્કૂલમાં અવિસ્મરણીય સમય વીતાવ્યો. વિદ્યાર્થીઓ-શિક્ષકો વચ્ચે આ મારા માટે ખૂબ સન્માનની પળ હતી. તિલક અને આરતીથી મારું સ્વાગત કરવા બદલ ધન્યવાદ.
કેરોલિનામાં ટ્રમ્પ બોલ્યા
ટ્રમ્પે કેરોલિનામાં પણ ગુજરાતમાં અમદાવાદની મુલાકાતને યાદ કરી હતી. તેમણે કેરોલિનામાં કહ્યું હતું કે, ભારતમાં સવા લાખને સંબોધ્યા પછી હું આ ભીડથી ઉત્સાહિત નથી. ટ્રમ્પે વડા પ્રધાન મોદીના વખાણ કર્યાં હતાં. નવેમ્બરમાં થનારી પ્રમુખપદની ચૂંટણીને પગલે સાઉથ કેરોલિનાની રેલીને સંબોધિતાં તેમણે કહ્યું હતું કે, અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં સવા લાખ લોકોને સંબોધિત કર્યા પછી હું અહીંની જનમેદની જોઈને ક્યારેય ઉત્સાહિત નહીં થઈ શકું. મોટેરા સ્ટેડિયમ સામાન્ય સ્ટેડિયમથી ત્રણ ગણું મોટું છે, જે ત્રણ ગણા વધુ લોકોથી ખીચોખીચ ભરાયેલું હતું. તે કમાલનું હતું. વડા પ્રધાન મોદી શાનદાર વ્યક્તિ છે અને પોતાના દેશને ખૂબ ચાહે છે. મારો એ પ્રવાસ યાદગાર હતો. સાઉથ કેરોલિનાની પ્રાથમિક ચૂંટણીમાં બાઈડેન જીત્યા સાઉથ કેરોલિનામાં ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઈમરી ચૂંટણી પૂર્વ ઉપપ્રમુખ જો બાઈડેને જીતી લીધી છે.