વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ભારત સાથે સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં પહેલ કરી છે. ટ્રમ્પે બંને દેશો વચ્ચે ટુ પ્લસ ટુ બેઠક દરમિયાન ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી. ટ્રમ્પે પ્રોટોકોલ તોડી મુલાકાત કરી હતી. ઓવલ ઓફિસમાં થયેલી મુલાકાત દરમિયાન ટ્રમ્પે સપ્ટેમ્બરમાં હ્યુસ્ટનમાં ભારતના વડા પ્રધાન મોદી સાથે થયેલી મુલાકાતને પણ યાદ કરી હતી. એસ. જયશંકરે કહ્યું પ્રમુખ ટ્રમ્પ સાથે બેઠક એક શિષ્ટાચારા મુલાકાત હતી. જયશંકરે અમેરિકી સેનેટ સમક્ષ ભારતીય નાગરિક્તા કાયદા અંગે સ્પષ્ટ તસવીર રજૂ કરી હતી.
પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરે
ભારત અને અમેરિકાએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાને અલ-કાયદા, આઇએસ, લશ્કર-એ તોઇબા, જૈશ, હિઝબુલ, જેવા સંગઠનો અને આતંકી નેટવર્ક વિરુદ્ધ મક્કમ અને નિર્ણાયક કાર્યવાહી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે, જયશંકરે કાશ્મીર મુદ્દે ભારતની ટીકા કરનારા અમેરિકી સાંસદો સાથે છેલ્લી ઘડીએ મુલાકાત રદ કરી દીધી. અમેરિકી સાંસદ પ્રેમિલા જયપાલે કાશ્મીર અંગે ભારતની ટીકા કરી હતી.
રિપોર્ટ્સ મુજબ અમેરિકી સાંસદોએ પ્રમિલા જયપાલને બેઠકમાં સામેલ નહીં કરવાની માગ ફગાવી દીધી હતી. તેથી જયશંકરે અમેરિકી સાંસદો સાથેની બેઠક રદ કરી નાંખી હતી. જયશંકરે કહ્યું હતું કે મને લાગતું નથી કે તેમાં (રિપોર્ટમાં) જમ્મુ-કાશ્મીરની સ્થિતિને યોગ્ય રીતે સમજાવવામાં આવી અથવા ભારત સરકારના પગલાંને યોગ્ય રીતે જણાવાયા નહીં.