વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાથ ધોઈને કેનેડાની પાછળ પડી ગયા છે. કેનેડાને આર્થિક જોરે અમેરિકામાં ભેળવવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂકેલા ટ્રમ્પે હવે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કેનેડાનો નક્શો શેર કરી તેના પર ‘યુનાઈટેડ સ્ટેટ્સ’ લખીને વિવાદનો મધપૂડો છંછેડયો છે. ટ્રમ્પની આ હરકત પર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો સહિતના નેતાઓએ ભારે વિરોધ વ્યક્ત કર્યો છે.
નોંધનીય છે કે ટ્રમ્પે ફ્લોરિડા ખાતેના તેમના નિવાસે પત્રકારો સાથેની વાતચીતમાં કેનેડાને અમેરિકામાં ભેળવી તેને અમેરિકાનું 51મુ રાજ્ય બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને કેનેડાના ગવર્નર પણ કહી ચૂકયા છે.
પનામા નહેર અને ગ્રીનલેન્ડ પર પણ કબજાનો ઇરાદો
ટ્રમ્પે પનામા નહેર અને ગ્રીનલેન્ડ પર કબજો કરવા સૈન્ય બળના ઉપયોગની શક્યતા પણ નકારી નથી. તેમણે બંને પર અમેરિકી નિયંત્રણને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે, પનામા નહેર આપણા દેશ માટે મહત્ત્વપૂર્ણ છે. આપણે રાષ્ટ્રીય સુરક્ષા ઉદ્દેશો માટે ગ્રીનલેન્ડની પણ જરૂર છે. નોંધનીય છે કે ગ્રીનલેન્ડ ડેનમાર્કનું એક સ્વાયત્ત ક્ષેત્ર છે, જે લાંબા સમયથી અમેરિકાનું સહયોગી અને ‘નાટો’નું સંસ્થાપક સભ્ય છે.
બે મહાસાગર વચ્ચે આવેલા અને મોટેભાગે બરફથી ઢંકાયેલા ગ્રીનલેન્ડમાં અંદાજે 56 હજાર લોકો રહે છે. ટ્રમ્પે ડેનમાર્ક પર ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે કે જો ડેનમાર્ક ગ્રીનલેન્ડને ખરીદવાના તેમના પ્રસ્તાવનો અસ્વીકાર કરે તો તેઓ ડેનમાર્ક પર ટેરિફ નાખી શકે છે.
ટ્રુડોએ સખત નારાજગી વ્યક્ત કરી
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્રમ્પની ટિપ્પણી અંગે જણાવ્યું હતું કે, કેનેડા અમેરિકાનો હિસ્સો બને તેવી કોઇ સંભાવના નથી. કેનેડાનાં વિદેશપ્રધાન મેલાની જોલીએ કહ્યું કે, ટ્રમ્પનું નિવેદન કેનેડાને એક મજબૂત દેશ બનાવતી બાબતો વિશે સમજણનો અભાવ દર્શાવે છે. અમારું અર્થતંત્ર મજબૂત છે. અમારી પ્રજા મજબૂત છે. અમે જોખમો સામે ક્યારેય પીછેહઠ નહીં કરીએ. કેનેડાના વિપક્ષી નેતા પિયર પોલિવેયરે પણ ટ્રમ્પ પર પલટવાર કરતા કહ્યું હતું કે, અમે એક મહાન અને સ્વતંત્ર દેશ છીએ. 9/11ના હુમલા બાદ જવાબી કાર્યવાહી કરવામાં અમે અમેરિકાની મદદ કરી હતી. અમે અમેરિકાને બજારભાવથી ઓછા ભાવે વીજળી સપ્લાય કરીએ છીએ.